બીજેપીએ લોકસભાની ચૂંટણી માટેના ૧૯૫ ઉમેદવાર જાહેર કર્યા

03 March, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૫૦ વર્ષથી ઓછી ઉંમરના ૪૭ નેતાને મેદાનમાં ઉતાર્યા

ફાઇલ તસવીર

નરેન્દ્ર મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી, સ્મૃતિ ઈરાની અમેઠીથી લડશે ; મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ લડશે લોકસભાની ચૂંટણી : સુષમા સ્વરાજનાં પુત્રી બાંસુરી સ્વરાજને દિલ્હીથી મળી ટિકિટ : હેમા માલિની મથુરામાં રિપીટ : સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું પત્તું કટ : મુંબઈના કૃપાશંકર સિંહ જૌનપુરથી લડશે

લોકસભાની આગામી ચૂંટણી માટે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ બીજેપીએ ગઈ કાલે ૧૯૫ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાંથી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહફરી ગાંધીનગરમાંથી લોકસભાની ચૂંટણી લડશે. બીજેપીના આ પહેલા લિસ્ટમાં ૩૪ કેન્દ્રીય અને રાજ્યકક્ષાના પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પણ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પહેલી યાદીમાં બીજેપીએ ઉત્તર પ્રદેશની ૫૧, પશ્ચિમ બંગાળની ૨૬, મધ્ય પ્રદેશની ૨૪, ગુજરાતની ૧૫, રાજસ્થાનની ૧૫, કેરલાની ૧૨, તેલંગણની ૯, આસામની ૧૪, ઝારખંડની ૧૧, છત્તીસગઢની ૧૧, દિલ્હીની પાંચ, જમ્મુ-કાશ્મીરની બે, ઉત્તરાખંડની અને અરુણાચલ પ્રદેશની બે-બે, ગોવાની એક, ત્રિપુરાની એક, આંદામાન-નિકોબારની એક અને દીવ-દમણની એક બેઠક સહિત ૧૫ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશના ૧૯૫ ઉમેદવાર જાહેર કર્યા હતા.

પહેલા લિસ્ટમાં ૨૮ મહિલાઓ અને ૪૭ યુવા ઉમેદવારો સહિત અનુસૂચિત

જા​તિના ૧૮ અને ઓબીસીનાં બાવન નામોની જાહેરાત કરવામાં આવી હતી. ૧૯૫ ઉમેદવારોની યાદીમાં પચાસ વર્ષથી ઓછી ઉંમરના ૪૭ ઉમેદવારોનો સમાવેશ છે.

બીજેપીના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી વિનોદ તાવડેએ દિલ્હીના બીજેપીના મુખ્યાલયમાં ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટેના ૧૯૫ ઉમેદવારોનાં નામ જાહેર કરતી વખતે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસથી અમે નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (એનડીએ)નો વિસ્તાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અમને વિશ્વાસ છે કે દેશમાં ફરી એક વખત મોદી સરકાર બનશે. સૌના મનમાંથી પણ અવાજ આવી રહ્યો છે કે ફરી એક વાર મોદી સરકાર. ગત લોકસભા ક્ષેત્ર અને પ્રદેશોમાં ઉમેદવારોની માહિતી મેળવ્યા બાદ કેટલાંક નામ પક્ષના હાઇકમાન્ડને મોકલવામાં આવ્યાં હતાં. એના પર પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ચર્ચા કરીને ઉમેદવારોનાં નામ ફાઇનલ કર્યાં છે.’

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનું પત્તું કટ

પોતાનાં નિવેદનો આપીને કાયમ લાઇમલાઇટમાં રહેનારાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને આ વખતે બીજેપીએ ઉમેદવારી નથી આપી. તેમના સ્થાને ભોપાલની લોકસભા બેઠકમાં આ વખતે આલોક શર્માને મોકો આપવામાં આવ્યો છે. ૨૦૦૮માં મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા બૉમ્બધડાકાના મામલામાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યાં હતાં.

૩૪ પ્રધાન

કેન્દ્રીય પ્રધાન અમિત શાહ (ગાંધીનગર), પુરુષોત્તમ રૂપાલા (રાજકોટ), મનસુખ માંડવિયા (પોરબંદર), રાજનાથ સિંહ (લખનઉ), જ્યોતિરાદિત્ય સિંધિયા (ગુના), જિતેન્દ્ર સિંહ (ઉધમપુર), કિરેન ​રિજિજુ (અરુણાચલ-ઈસ્ટ), તાપિર ગાઓ (અરુણાચલ-વેસ્ટ), સ્મૃતિ ઈરાની (અમેઠી), અર્જુન મુંડા (ખૂંટી), સર્બાનંદ સોનોવાલ (આસામ), સંજીવ બાલિયાન (મુઝફ્ફરનગર), નિસિધ પ્રમાણિક (કૂચબિહાર), શ્રીપદ યેસો નાઈક (નૉર્થ ગોવા) સહિતના ૩૪ કેન્દ્રીય અને રાજ્યકક્ષાના પ્રધાનોને લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

દિલ્હીમાં ચારનાં પત્તાં કપાયાં

દિલ્હીમાં ગૌતમ ગંભીર અને યશવંત સિંહાના પુત્ર જયંત સિંહાએ ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેમનાં નામ યાદીમાં જાહેર નથી કરવામાં આવ્યાં. દિલ્હીમાં કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ સેન્ટ્રલ દિલ્હીમાંથી સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને ઉમેદવારી આપવામાં આવી છે. મનોજ તિવારીને ઉત્તર પૂર્વ દિલ્હીમાં ​રિપીટ કરાયા છે. પશ્ચિમ દિલ્હીથી કમલકિત સહરાવત અને દક્ષિણ દિલ્હીથી રામબીર બિઘુડીને ઉતારવામાં આવ્યા છે.

અયોધ્યા

શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિર્મિત મંદિરમાં રામલલ્લાની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદથી દેશ અને દુનિયામાં આ ઐતિહાસિક પ્રસંગની ખૂબ ચર્ચા થઈ રહી છે. અયોધ્યા લોકસભા બેઠક પર બીજેપીએ અહીંના ૨૦૧૪થી સાંસદ લલ્લુ સિંહને ફરી ઉમેદવારી આપી છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીમાં તેઓ ૬૫ હજારથી વધુ મતથી વિજયી થયા હતા, જ્યારે આ વખતે રામમંદિરને કારણે તેઓ રેકૉર્ડબ્રેક માર્જિનથી વિજયી થાય તો નવાઈ નહીં.

એક મુસ્લિમ

બીજેપીએ પહેલા લિસ્ટમાં એક મુસ્લિમ ચહેરાને ટિકિટ આપી છે. કેરલાની મલ્લાપુરમ લોકસભા બેઠક માટે ડૉ. અબ્દુલ સલામને ઉમેદવારી આપવામાં આવી છે. કેરલાની ૧૨ બેઠકના ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે એમાં આ મુસ્લિમને તક આપવામાં આવી છે. કેરલામાં હિન્દુઓ કરતાં મુસ્લિમ અને ડાબેરી વિચારધારામાં માનતા લોકોની વસતિ વધારે છે એટલે બીજેપીએ અહીં સેક્યુલર ઇમેજ ધરાવતા અબ્દુલ સલામને અજમાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.

મુંબઈના કૃપાશંકર સિંહને ઉત્તર પ્રદેશ મોકલાયા

ઉત્તર ભારતીય સમાજના વ​રિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહરાજ્યપ્રધાન કૃપાશંકર સિંહને બીજેપીએ મુંબઈને બદલે ઉત્તર પ્રદેશના જૌનપુરમાંથી લોકસભાની ઉમેદવારી આપી છે. તેમના માટે ઉત્તર મુંબઈની બેઠક માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને મુંબઈને બદલે જૌનપુરમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મહારાષ્ટ્ર બાકાત

બીજેપીની પહેલી યાદીમાં મહારાષ્ટ્રમાંથી કોઈ નામ જાહેર કરવામાં નથી આવ્યું. અહીં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે હજી લોકસભાની બેઠકોની સમજૂતી ચાલી રહી છે. પાંચમી માર્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના અકોલા, જળગાંવ અને છત્રપતિ સંભાજીનગરની મુલાકાતે આવવાના છે. બપોરથી સાંજ સુધીના તેમના કાર્યક્રમો થયા બાદ તેમની સાથે ચર્ચા કર્યા બાદ લોકસભાની ચૂંટણીની ફૉર્મ્યુલા નક્કી થવાની શક્યતા છે. ત્યાર બાદ જ અહીંથી બીજેપી અને સાથી પક્ષો કેટલી બેઠકો પર ચૂંટણી લડશે એ ફાઇનલ થશે.

51

ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠક છે, જેમાંથી બીજેપીએ ગઈ કાલે આટલા બેઠકના ઉમેદવારો જાહેર કર્યા હતા. પક્ષે હેમા માલિની, ર​વિ કિશન, નિદેશલાલ યાદવ નિરહુઆ સહિતના ફિલ્મી કલાકારોમાં ફરીથી દાવ લગાવ્યો છે. ૫૧ બેઠકની યાદીમાં ૪૭ રિપીટ કરવામાં આવ્યા છે.

Lok Sabha Lok Sabha Election 2024 bharatiya janata party narendra modi amit shah hema malini sushma swaraj sadhvi pragya singh thakur ravi kishan political news indian politics