15 April, 2019 11:54 PM IST | મુંબઈ
શત્રુઘ્ન સિંહા
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કંઈક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા અને રાજકીય કારર્કિદી દાવ પર લાગી છે. એ જ રીતે એક દિલચસ્પ મુકાબલો બિહારની પટના સાહિબ લોકસભા સીટ પરથી પહેલાંના જમાનાના પ્રસિદ્ધ ફિલ્મઅભિનેતા શત્રુઘ્ન સિંહા અને કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ વચ્ચે થવાનો છે. શત્રુઘ્ન સિંહા હાલમાં BJPને છોડીને કૉંગ્રેસમાં સામેલ થયા છે. આનાથી પહેલાં તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં પટના સાહિબથી બે વખત ભારે મતોથી ચૂંટણી જીતી ચૂક્યા છે. જોકે ૨૦૧૪માં BJPની નેતૃત્વવાળી સરકારમાં પ્રધાનપદ ન મળતાં તેઓ નારાજ થયા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ
સમય-સમયે તીખી ટિપ્પણીઓ આપતા રહ્યા છે. લોકસભાની ચૂંટણીના ૨૦૧૯ના પરિપ્રેક્ષ્ય માટે શું કહે છે તેમની કુંડળી? જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ સાવત્થી ર્તીથ બાવળામાં બિરાજમાન પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજયજિનચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ અજિતચંદ્રવિજય મહારાજસાહેબના જ્યોતિષીય વિશ્લેષણ મારફત આકલન કરીશું.
શત્રુઘ્ન સિંહા કે રવિશંકર પ્રસાદ, કોણ જીતશે પટના સાહિબની ચૂંટણી?
૧૯૪૫ની ૯ ડિસેમ્બરે સાંજે ૪.૪૦ વાગ્યે બિહારના પટના શહેરમાં જન્મેલા શત્રુઘ્ન સિંહા ચાર ભાઈઓમાં સૌથી નાના છે. વૃષભ લગ્નની તેમની કુંડળીમાં સૂર્ય, બુધ અને શુક્રનો રાજયોગ સપ્તમ ભાવમાં બની રહ્યો છે. આ યોગના પ્રભાવથી એક સંપન્ન પરિવારમાં જન્મેલા શત્રુઘ્ન સિંહાએ પહેલાં પટનામાં અને પછી પુણેના ફિલ્મ સંસ્થાનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમની કુંડળીમાં ગુરુ વર્ગોત્તમ થઈને લગ્નથી પંચમ અને ચંદ્રમાથી નવમ ભાવમાં શાનદાર સ્થિતિમાં બેઠો છે. ગુરુની મહાદશામાં ૭૦ અને ૮૦ના દસકામાં તેમની ફિલ્મી કરીઅર બુલંદીને પામી રહી હતી. વાણી સ્થાનમાં બેઠેલા રાહુએ શત્રુઘ્ન સિંહાને એક શાનદાર અવાજ આપ્યો છે અને પરાક્રમ ભાવમાં બેસેલા મંગળ અને શનિએ તેમને રુઆબદાર વ્યક્તિત્વ આપ્યું જેને આજે પણ સિનેપ્રેમીઓ શિદ્દતથી યાદ રાખે છે.
રાજેશ ખન્નાએ જીવનભર નહીં કરી વાતચીત
જૂન ૧૯૯૧માં શરૂ થયેલી જનતાના કારક ગ્રહ શનિની દશા તેમને રાજનીતિમાં લાવી. જૂન ૧૯૯૨માં તેમને BJPની ટિકિટ પર લોકસભાની ચૂંટણીમાં નવી દિલ્હીથી કૉંગ્રેસના રાજેશ ખન્ના વિરુદ્ધ ઉમેદવારીપત્રક ભર્યું. જોકે શનિની સાડાસાતીને લીધે શત્રુઘ્ન સિંહા ચૂંટણીમાં રાજેશ ખન્ના સામે ઘણા મતોથી હારી ગયા હતા. એવું કહેવાય છે કે રાજેશ ખન્ના ચૂંટણીમાં શત્રુઘ્ન સિંહાના તેમની વિરુદ્ધ ચૂંટણી લડવાના નિર્ણયથી એટલાબધા ગુસ્સે ભરાયા હતા કે પછી તેમણે જીવનભર સિંહા સાથે વાત નહોતી કરી. શનિની સાડાસાતીએ ત્યારે શત્રુઘ્ન સિંહાને હાનિ અને અપમાનનો કડવો ઘૂંટડો પીવા માટે વિવશ કર્યા હતા.
શનિની સાડાસાતીનો શત્રુઘ્ન સિંહા પર શું પડશે પ્રભાવ?
હવે એક વખત ફરીથી તેઓ શનિની સાડાસાતીમાંથી પસાર થઈ રહ્યા છે. ગોચરમાં શનિ ધનુ રાશિમાં થઈને તેમની મકર રાશિના ચંદ્રમાથી હાનિના ૧૨મા ઘરમાં પસાર થઈને એક તરફ હારનો જ્યોતિષી સંકેત આપી રહ્યો છે. વિંશોત્તરીમાં બુધમાં મંગળની મારક દશા પણ શત્રુઘ્ન સિંહાની કુંડળીમાં સારી નથી ચાલી રહી.
શું કહે છે રવિશંકર પ્રસાદની કુંડળી?
૧૯૫૩ની ૩૦ ઑગસ્ટે સવારે ૪.૪૦ વાગ્યે બિહારના પટનામાં જન્મેલા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદનો જન્મ એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો છે. તેમના પિતા ઠાકુર પ્રસાદ પટના હાઈ કોર્ટમાં વકીલ હતા અને જનસંઘના સંસ્થાપક સભ્યોમાંના એક હતા. સિંહ લગ્નમાં જન્મેલા રવિશંકર પ્રસાદની કુંડળીમાં લગ્નમાં સૂર્ય અને બુધના ‘નિપુણ યોગે’ તેમને વકીલાતમાં ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી. દશમ ભાવમાં બેસેલા ગુરુની મહાદશા તેમને ૧૯૯૮થી ૨૦૧૪ સુધી મળી, જેણે તેમને સુપ્રીમ કોર્ટમાં પ્રતિષ્ઠિત વકીલ અને વાજપેયી તથા મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાનનું પદ અપાવીને એક મોટી રાજનીતિક હસ્તી બનાવી નાખ્યા. જુલાઈ ૨૦૧૪ના પરાક્રમ ભાવમાં બેસેલા ઉચ્ચના શનિની મહાદશા તેમની કુંડળીમાં ચાલી રહી છે. શનિ ઉપર નીચના મંગળની ૧૨મા ઘરથી પડી રહેલી નજરના લીધે કાયદાપ્રધાન રહેવા છતાં નૅશનલ જુડિશ્યલ કમિશન લાગુ કરવામાં અસફળ રહ્યા. તેઓ કાયદાપ્રધાન રહેતાં દેશમાં ન્યાયિક વ્યવસ્થામાં કોઈ મૂળભૂત સુધારો ન થઈ શક્યો, પરંતુ કોર્ટકેસની સંખ્યામાં વૃદ્ધિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. જોકે ઉચ્ચના શનિની દશાને લીધે તેઓ પોતાની સીટ બચાવવામાં કામયાબ રહ્યા.
કોની જીતની ગવાહ બનશે પટના સાહિબ?
હવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે શનિમાં બુધમાં રાહુની વિંશોત્તરી દશામાં ચાલી રહેલા રવિશંકર પ્રસાદને શત્રુઘ્ન સિંહાથી પટના સાહિબમાં આકરો પડકાર મળવાના આસાર છે. જોકે શનિ-ગુરુનાં લગ્ન અને ચંદ્ર બન્નેથી અનુકૂળ ગોચરને લીધે રવિશંકર પ્રસાદની બાજુ કંઈક ભારે લાગી રહી છે. મેષના ચંદ્રમા અને સિંહ લગ્નના રવિશંકર પ્રસાદ માટે શનિ અને ગુરુના ગોચરમાં આર્શીવાદ સાથે સાડાસાતીમાં ફસાઈ ગયેલા શત્રુઘ્ન સિંહા સામે એક મોટા મુકાબલામાં જીત મેળવવામાં સહાયક બની શકે છે.