06 June, 2024 01:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચંદ્રાબાબુ નાયડુ, નીતીશ કુમાર
કેન્દ્રમાં ત્રીજી વાર સરકાર બનાવવા માટે નરેન્દ્ર મોદી પાસે પૂરતી બેઠકો નથી એથી તેમને આંધ્ર પ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના નીતીશ કુમારનો ટેકો જરૂરી બનશે અને આમ આ બે નેતાઓ ફરી એક વાર કિંગમેકરની ભૂમિકામાં આવી ગયા છે. તેલુગુ દેસમ પાર્ટી (TDP) અને જનતા દળ-યુનાઇટેડ (JD-U) નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નો ભાગ છે. BJPને એકલા હાથે ૨૪૦ બેઠકો મળી છે જે સરકાર બનાવવા માટે જરૂરી ૨૭૨ બેઠકો કરતાં ૩૨ ઓછી છે. શિવસેના અને બીજા પક્ષો ઉપરાંત TDPની ૧૬ અને JD-Uની ૧૨ બેઠકોની જરૂર સરકાર બનાવવા પડવાની છે અને એથી તેઓ ટેકો આપશે.
ચંદ્રાબાબુ નાયડુ
ચંદ્રાબાબુ નાયડુએ લોકસભા અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ઍક્ટર પવન કલ્યાણની જનસેના પાર્ટી (JSP) અને BJPના અલાયન્સમાં લડી હતી. ૧૭૫ બેઠકો ધરાવતી વિધાનસભામાં TDPને ૧૩૫ અને JSPને ૨૧ અને BJPને ૮ બેઠકો મળી છે. આંધ્ર પ્રદેશમાં સરકાર બનાવવા માટે ચંદ્રાબાબુ નાયડુને BJPના ટેકાની જરૂર નથી, પણ કેન્દ્રમાં મોદી સરકાર બનાવવા માટે ચંદ્રાબાબુ નાયડુના ટેકાની જરૂર છે. BJPના સપોર્ટના કારણે ૨૦૧૪માં આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુને સત્તા મળી હતી, પણ ૨૦૧૮માં તેમણે BJPનો સાથ છોડી દીધો હતો. ૨૦૧૯માં થયેલી ચૂંટણીમાં તેમનો વિધાનસભા અને લોકસભામાં કારમો પરાજય થયો હતો. ચંદ્રાબાબુ નાયડુને કૉન્ગ્રેસે લાલચ આપી છે કે જો તેઓ વિપક્ષોને સાથ આપે તો આંધ્ર પ્રદેશને સ્પેશ્યલ કૅટેગરી સ્ટેટસ અપાવીશું, પણ આ વખતે ચંદ્રાબાબુ નાયડુ વિપક્ષમાં જોડાવાના નથી. ૨૦૧૪ પહેલાં કેન્દ્રની કૉન્ગ્રેસ સરકારે આંધ્ર પ્રદેશનું વિભાજન કરી દીધું હતું અને ત્યારથી આંધ્ર પ્રદેશના લોકોએ કૉન્ગ્રેસને જાકારો આપ્યો છે. કૉન્ગ્રેસને એ પછી એક પણ બેઠક મળી નથી એથી ચંદ્રાબાબુ નાયડુ કૉન્ગ્રેસને સાથ આપે એવી શક્યતા ઓછી છે. જો તેઓ કૉન્ગ્રેસને સાથ આપે તો તેમને આંધ્ર પ્રદેશની જનતાનો રોષ વહોરી લેવો પડે. વળી પવન કલ્યાણ પણ આ માટે સાથ નહીં આપે.
૧૯૯૬માં ગઠબંધન સરકારના દોરમાં ચંદ્રાબાબુ નાયડુએ દેવે ગૌડા અને ઇન્દર કુમાર ગુજરાલની સરકારને બહારથી ટેકો આપ્યો હતો. એ સમયે તેઓ યુનાઇટેડ ફ્રન્ટના કન્વીનર હતા. ૧૯૯૯માં ૨૯ બેઠકો મેળવનારા ચંદ્રાબાબુ નાયડુએ અટલ બિહારી વાજપેયી સરકારને ટેકો આપ્યો હતો, પણ તેઓ સરકારમાં જોડાયા નહોતા.
નીતીશ કુમાર
બિહારના નીતીશ કુમારની છાપ પલ્ટુરામની છે અને ફરી તેઓ કિંગમેકરની ભૂમિકામાં છે. ૧૯૯૮-’૯૯માં તેઓ કેન્દ્રમાં વાજપેયી સરકારમાં રેલવે, પરિવહન અને કૃષિ ખાતાના પ્રધાન રહ્યા હતા. ૨૦૦૦થી ૨૦૦૪માં તેઓ ફરી વાજપેયી સરકારમાં પ્રધાન રહ્યા હતા. ઘણા સમય સુધી નીતીશ કુમાર NDAના સિનિયર પાર્ટનર રહ્યા છે. ૨૦૦૯માં BJPના સહકારમાં બિહારમાં તેમની પાર્ટીને ૨૦ બેઠકો મળી હતી. જોકે એ પછી નીતીશ કુમાર જોડતોડની રાજનીતિ કરતા રહ્યા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવતાં તેમણે NDAનો સાથ છોડી દીધો હતો. તેઓ એકલા લડ્યા અને માત્ર બે બેઠકો મળી. ૨૦૧૫માં તેમણે લાલુ પ્રસાદ યાદવ સાથે ચૂંટણીજોડાણ કરીને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો અને ચૂંટણી જીતી લીધી. જોકે બે વર્ષમાં તેમનો મોહભંગ થયો અને ફરી તેઓ NDAમાં આવી ગયા. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં NDAને લોકસભાની ૪૦માંથી ૩૯ બેઠકો મળી. ૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં JD-Uનો દેખાવ ઍવરેજ રહ્યો એટલે તેમણે NDA સાથેનું ગઠબંધન તોડી નાખ્યું. જોકે ૨૦૨૨માં તેમણે BJP સાથેનું ગઠબંધન તોડીને લાલુ પ્રસાદ યાદવ સાથે સરકાર બનાવી. જોકે ગયા જાન્યુઆરીમાં તેમણે લાલુ યાદવને જાકારો આપીને ફરી NDAમાં આવી ગયા. આમ તેમણે પોતાની પાર્ટીને નવજીવન આપ્યું.