08 November, 2021 11:44 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણી જન્મદિવસની શુભકામના પાઠવી (તસવીર: PTI)
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે 94મો જન્મદિવસ છે. આ તકે તેમને નેતાઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સહિતના નેતાઓએ લાલ કૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને જઈ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી છે.
વડાપ્રધાને મોદીએ તેમને ટ્વિટર પર પણ શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું, `સન્માનીય અડવાણીજીને જન્મદિવસની શુભકામનાઓ. તેમના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું. લોકોને સશક્ત કરવા અને આપણી સંસ્કૃતિનું ગૌરવ આગળ વધારવા માટે તેમણે કરેલા પ્રયાસો બદર દેશ હંમેશા તેમનો ઋણી રહેશે. તેમની વિદ્વતા અને બુદ્ધિમત્તા માટે સર્વત્ર તેમનું સન્માન થાય છે.`
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ ટ્વિટર પર અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યું કે `તે ભારતના એ સન્માનિત નેતાઓમાંના એક છે, જેમને વિદ્વતા, દુરદર્શિતા, બૌદ્ધિક ક્ષમતા અને રાજનીતિના જ્ઞાની મનાય છે. ઈશ્વર તેમને તંદુરસ્ત રાખે અને તેમને દિર્ઘઆયુષ્ય આપે.`
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અડવાણીએ શુભકામના પાઠવતાં લખ્યું કે `ભાજપને જન-જન સુધી પહોંચાડવા અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. અડવાણીજી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના પ્રરેણાસ્ત્રોત છે. હું ભગવાનને દીર્ધ આયુષ્ય અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરું છું.`
લાલકૃષ્ણ અડવાણીને જન્મ સિંધ પ્રાંત (હાલ પાકિસ્તાન)ના કરાચી શહેરમાં એક સિંધી પરિવારમાં થયો હતો. તે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહપ્રધાન અને નાયબ પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. રાષ્ટ્રીય સ્તર પર ભાજપનો વિકાસ કરવામાં સૌથી મોટો ફાળો લાલકૃષ્ણ અડવાણીનો છે. તેમણે 80ના દાયકામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે યાત્રા કાઢી હતી અને ત્યાર બાદ દેશમાં ભાજપનો જનાધાર વધતો જ ગયો.
પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ પણ અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવી છે.
આ ઉપરાંત પીયુષ ગોયલે પણ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર શુભકામના પાઠવી છે.