25 September, 2024 08:59 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં વિધવા માતા પર બળાત્કાર કરનારા અને પત્ની તરીકે તેની સાથે રહેવાની ધમકી આપનારા આબિદ નામના પાપી પુત્રને ફાસ્ટ ટ્રૅક કોર્ટે આજીવન કારાવાસની સજા કરી છે અને ૫૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉત્તર પ્રદેશ સરકારના ઑપરેશન કન્વિક્શન હેઠળ માત્ર ૨૦ મહિનામાં કોર્ટે ચુકાદો આપ્યો છે. આ ચુકાદાનું પીડિત પરિવારના સભ્યોએ ન્યાયની જીત બતાવીને સ્વાગત કર્યું છે. આ ચુકાદાની હવે આખા રાજ્યમાં ભારે ચર્ચા થઈ રહી છે ત્યારે બીજી તરફ દોષીને કોર્ટની બહાર લઈ જતી વખતનો એક વિડિયો વાઇરલ થયો છે અને એ જોઈને લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. લોકો તેને ફાંસીની સજા કરવાની માગણી કરી રહ્યા છે.
શું હતી આ ઘૃણાસ્પદ ઘટના?
આ ઘૃણાસ્પદ ઘટના કોતવાલી દેહાતના એક ગામની છે. પીડિતા અને તેના નાના પુત્રે ૨૦૨૩માં ૨૨ જાન્યુઆરીએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે ૧૬ જાન્યુઆરીએ ૬૦ વર્ષની વિધવા માતા પર તેના મોટા પુત્ર ૩૬ વર્ષના આબિદે દુષ્કર્મ આચર્યું હતું. તે તેને ખેતરોમાં ઘાસચારો લાવવાના બહાને લઈ ગયો હતો. દુષ્કર્મ બાદ તે માતાને તેની પત્ની તરીકે રહેવા દબાણ કરતો હતો. આરોપીની માતાએ કોર્ટમાં ૨૦ વાર કહ્યું હતું કે મારો પુત્ર હેવાન છે, તેણે જ મારા પર બળાત્કાર કર્યો હતો અને તેને સજા થવી જોઈએ. ફાસ્ટ ટ્રૅક કોર્ટના જજ વરુણ મોહિત નિગમે આરોપીને દોષી ગણાવીને આજીવન કારાવાસની સજા કરી હતી.