08 June, 2024 09:39 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ચૂંટણી-કમિશનર રાજીવ કુમાર
લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે વિરોધ પક્ષો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરીને ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે હવે લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોને પણ અપેક્ષા કરતાં વધુ બેઠકો મળી છે ત્યારે કોઈ EVM પર સવાલ નથી ઉઠાવી રહ્યું. આ વિશે ગઈ કાલે મુખ્ય ચૂંટણી-કમિશનર રાજીવ કુમારે હસતાં-હસતાં કહ્યું હતું કે ‘છેલ્લાં વીસ-બાવીસ વર્ષથી EVM ચૂંટણીનું બરાબર રિઝલ્ટ આપી રહ્યું છે. આ મશીન તટસ્થ કામ કરે છે એટલે વિશ્વાસપાત્ર છે. લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. હવે થોડા દિવસ EVMને આરામ કરવા દો. આગામી ચૂંટણી સુધી આરામ કરશે. બાદમાં એ જાગશે, બૅટરી બદલશે, પેપર બદલશે અને ફરી ગાળો ખાશે અને ફરી રિઝલ્ટ બરાબર બતાવશે. કદાચ ખોટા મુહૂર્તમાં આ મશીનનો જન્મ થયો છે.’