23 October, 2024 10:53 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
જંગલમાં છુપાયેલા દીપડા સાથે મસ્તી કરવાનું રવિવારે પિકનિકર્સને ભારે પડી ગયું હતું અને એણે ત્રણ જણ પર હુમલો કર્યો હતો
મધ્ય પ્રદેશના શહડોલ રેન્જમાં સોન નદીના પટમાં ખિટૌલી પાસે જંગલમાં છુપાયેલા દીપડા સાથે મસ્તી કરવાનું રવિવારે પિકનિકર્સને ભારે પડી ગયું હતું અને એણે ત્રણ જણ પર હુમલો કર્યો હતો. આમાંથી એકની પરિસ્થિતિ ગંભીર છે. આ ઘટનાનો ૩૦ સેકન્ડનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.
જંગલમાં ઝાડ પાછળ છુપાયેલા દીપડાને કેટલાક લોકોએ આજા આજા કહીને તેમની તરફ બોલાવ્યો હતો અને આનો વિડિયો ઉતાર્યો હતો. એ સમયે ખરેખર દીપડો જંગલમાંથી દોડીને આવતાં લોકો નાસવા લાગ્યા હતા. આમાંથી બે જણ પર દીપડાએ હુમલો કર્યો હતો અને ત્રીજાને નીચે પાડી દઈને ખેંચીને લઈ જવાની કોશિશ કરી હતી. જોકે લોકોએ ભાગ ભાગ એવી બૂમો પાડી એથી દીપડો જંગલમાં જતો રહ્યો હતો.
આ સંદર્ભમાં ફૉરેસ્ટ ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘જંગલમાં આવતા લોકોને જંગલી પ્રાણીઓ સાથે મસ્તી નહીં કરવાની તાકીદ કરવામાં આવી હોવા છતાં તેઓ બાજ આવતા નથી એથી આવી ઘટનાઓ બને છે. થોડા દિવસ પહેલાં એક વાઘે પણ કેટલાક લોકો પર હુમલો કર્યો હતો.