જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની હાઈ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

08 August, 2024 07:17 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

માતા કમાતી હોય અને પિતા પાસે આવક ન હોય છતાં તેણે બાળકો માટે ભરણપોષણ આપવું કાનૂની અને નૈતિક ફરજ

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખની હાઈ કોર્ટે તાજેતરમાં ભરણપોષણના એક કેસમાં નોંધ્યું હતું કે સંતાનની માતા નોકરી કરીને કમાતી હોય અને પિતાની પાસે આવક ન હોય તો પણ તેણે બાળકોની જાળવણી અને દેખભાળ માટે ભરણપોષણ આપવું એ તેની કાનૂની અને નૈતિક ફરજ છે. પિતાએ કોર્ટને જણાવ્યું હતું કે તેની પાસે કોઈ આવક નથી, એટલે તે ભરણપોષણ આપી શકે એમ નથી, વળી બાળકોની માતા નોકરી કરે છે અને તેની પોતાની આવક છે એટલે તેને સગીર બાળકોના ઉછેર માટે ભરણપોષણ આપવામાંથી છૂટ આપવી જોઈએ.

જસ્ટિસ સંજય ધરે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે ‘નાનાં બાળકોના પિતા તરીકે તેમની જાળવણી કરવી એ તેની કાનૂની અને નૈતિક જવાબદારી છે. એ વાત સાચી છે કે બાળકોની માતા નોકરી કરે છે અને તેની પોતાની આવક છે, પણ બાળકોના પિતાએ તેમની જાળવણી કરવી જ જોઈએ. માતા કમાય છે, પણ પિતા કમાણી કરતો નથી એટલે તે ભરણપોષણ આપવાની જવાબદારીમાંથી છટકી શકે એમ નથી.’

પિતાએ મૅજિસ્ટ્રેટ કોર્ટના એ આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તેને ત્રણ બાળકોના ભરણપોષણ માટે મહિને બાળકદીઠ ૪૫૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ‘મારી માસિક આવક ૧૨,૦૦૦ રૂપિયા છે અને હું દર મહિને ૧૩,૫૦૦ રૂપિયા ચૂકવી શકું એમ નથી. મારે મારાં વૃદ્ધ માતા-પિતાનું પણ ધ્યાન રાખવાનું હોય છે. બાળકોની માતા સરકારી સ્કૂલમાં ટીચર છે અને તેની આવક ઘણી સારી છે. આથી મારા પર બાળકોના ભરણપોષણ માટે રૂપિયા ચૂકવવાની જવાબદારી ન નાખવામાં આવે.’ 

jammu and kashmir national news india Crime News