27 April, 2023 12:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કેન્દ્ર સરકારે સજાતીય લગ્નો માટે કાયદાકીય માન્યતાની માગણી કરતી અરજીઓમાં ઊભા કરવામાં આવેલા સવાલોના જવાબ મેળવવાનું કામ સંસદ પર છોડવા વિચાર કરવાની સુપ્રીમ કોર્ટને વિનંતી કરી હતી.
કેન્દ્ર સરકાર વતીથી હાજર સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડની વડપણ હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ખૂબ જ જટિલ વિષયની સાથે ડીલ કરી રહી છે, જેની સમાજ પર ઊંડી અસર થશે. ખરો સવાલ એ છે કે આખરે મૅરેજ શેનાથી અને કોની વચ્ચે થાય તો એ વૅલિડ ગણાય એ નિર્ણય કોણ કરશે.
આ બેન્ચમાં એસ. કે. કૌલ, એસ. આર. ભટ, હિમા કોહલી અને પી. એસ. નરસિંહા પણ સામેલ હતાં. તુષાર મહેતાએ વધુ જણાવ્યું હતું કે એની અન્ય કાયદા પર પણ અસર થશે, જેને લઈને સમાજમાં અને જુદાં-જુદાં રાજ્યોની વિધાસભાઓમાં પણ ચર્ચા કરવાની જરૂર રહેશે. સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ પર ચર્ચા કરવામાં આવી રહી હતી ત્યારે સંસદસભ્યો હોમોસેક્સ્યુઆલિટીથી અજાણ નહોતા. એમ છતાં તેમણે ખૂબ જ સમજીવિચારીને ‘પાર્ટીઝ’ને બદલે ‘સ્ત્રી’ અને ‘પુરુષ’ શબ્દોનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.