13 January, 2025 12:49 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ઍપલના સ્થાપક સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલ
આજથી શરૂ થયેલા મહાકુંભમાં ભાગ લેવા ભારત આવેલી ઍપલના સ્થાપક સ્ટીવ જૉબ્સની પત્ની લૉરેન પૉવેલે ગઈ કાલે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. તે મહાકુંભમાં ૧૭ દિવસ રહેવાની છે. ભારતમાં તેને એક નવી ઓળખ આપવામાં આવી છે. તેના ગુરુ નિરંજની અખાડાના સ્વામી કૈલાશાનંદગિરિએ લૉરેન પૉવેલને નવું નામ કમલા આપ્યું છે અને તેને પોતાનું ગોત્ર પણ આપ્યું છે. ૬૦ જણના સ્ટાફ સાથે લૉરેન ભારત પહોંચી છે.
તે ૧૪ જાન્યુઆરીના મકરસંક્રાન્તિ શાહી-સ્નાન અને ૨૯ જાન્યુઆરીના મૌની અમાવસ્યા શાહી-સ્નાનમાં ભાગ લેશે. કમલા બનેલી લૉરેન પૉવેલ ગઈ કાલે વારાણસીમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પહોંચી હતી. તેના ગુરુએ તેને ગર્ભગૃહની બહારથી શિવલિંગનાં દર્શન કરાવ્યાં હતાં. ત્યાર બાદ તે ગંગા નદીમાં નૌકાયન કરીને દશાશ્વમેઘ ઘાટ પર પહોંચી હતી અને ગંગા સેવાનિધિ તરફથી થતી ગંગા આરતી પણ જોઈ હતી.
પ્રયાગરાજમાં લૉરેન પૉવેલ પાંચ દિવસ રહેવાની છે. તે કલ્પવાસમાં ભાગ લેશે અને સંતો સાથે રહીને આધ્યાત્મિક શાંતિની શોધ કરશે.