મહિલાઓ, જોજો તમારામાં કોઈ ભાગલા ન પડાવી જાય : પીએમ

10 December, 2023 09:24 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સાથે નરેન્દ્ર મોદીએ વિપક્ષોને એવી પણ સલાહ આપી કે ચૂંટણી જીતતાં પહેલાં લોકોનાં દિલ જીતવાં જરૂરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોદીએ મહિલાઓ સાથેની વાતચીત દરમ્યાન તેમને ભાગલાવાદી રાજકારણ સામે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘તેઓ એક ‘મોટી જાતિ’ છે અને કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરી શકે એમ છે. દેશમાં કેટલાક લોકો મહિલાઓને અલગ-અલગ જાતિઓમાં વહેંચવાનો પ્રયાસ કરે છે, પણ તમારે આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે.’ 

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘તમામ મહિલાઓએ એક રહેવું જોઈએ. આજકાલ કેટલાક લોકો મહિલાઓ વચ્ચે ઝઘડા ઊભા કરી રહ્યા છે. આ સાથે જ તેમણે વિપક્ષને આડે હાથે લેતાં મહિલાઓ વિરુદ્ધના વિભાજનકારી રાજકારણ વિશેની ચેતવણી પણ આપી હતી. કેટલાક રાજકીય પક્ષો એ વાત સમજી રહ્યા નથી કે ખોટાં નિવેદનો આપીને તેમને કશું મળવાનું નથી. ચૂંટણી જીતતાં પહેલાં જનતાનાં દિલ જીતવાં ખૂબ જરૂરી છે. જનતાના જ્ઞાન અને અનુભવને ઓછાં આંકવાં જોઈએ નહીં. જે રીતે એક બાળક તેનાં માતા-પિતાની સેવા કરે છે એ રીતે આ મોદી તમારી સેવા કરી રહ્યા છે. મોદી ગરીબોની તેમ જ વંચિતોની પણ ચિંતા કરે છે કે જેમના વિશે કોઈ વિચારતું નથી. મારા માટે દરેક ગરીબ વ્યક્તિ વીઆઇપી છે. દરેક માતા, દીકરી અને બહેન વીઆઇપી છે, દરેક ખેડૂત તેમ જ યુવા વીઆઇપી છે.’ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરતાં પીએમ મોદીએ આ વાત કરી હતી.

મોદી મૅજિકને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકૃતિ
નવી દિલ્હી ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં જ નહીં, સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે. આ વાત મૉર્નિંગ કન્સલ્ટના એક સર્વેમાં મળેલા રેટિંગથી જાણવા મળે છે. બીજેપીએ આ સર્વેને વધાવી લીધો હતો અને તેના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ 
પછી આંતરરાષ્ટ્રીય એજન્સીના સર્વેમાં પણ મોદી મૅજિકને સ્વીકૃતિ મળી છે. 
આ સર્વે મુજબ પીએમ મોદી વૈશ્વિક નેતાઓમાં ફરી એક વખત ટૉપ પર છે. તેઓને ૭૬ ટકા અપ્રૂવલ રેટિંગ મળ્યું છે. અમેરિકાની કન્સલ્ટન્સી ફર્મના ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિંગ ટ્રૅકર મુજબ, ભારતમાં ૭૬ ટકા લોકો પીએમ મોદીના નેતૃત્વને સ્વીકારે છે, જ્યારે ૧૮ ટકા લોકોને તેમનું નેતૃત્વ પસંદ નથી. જ્યારે ૬ ટકા લોકોએ આ બાબતે પોતાનો કોઈ મત જણાવ્યો નથી. રેટિંગ મામલે પીએમ મોદીની આસપાસ કોઈ નથી. સર્વેમાં બીજા નંબરે મૅક્સિકોના પ્રેસિડન્ટ છે કે જેઓને ૬૬ ટકા રેટિંગ મળ્યું છે તેમ જ ત્રીજા નંબરે સ્વિટ્ઝરલૅન્ડના પ્રેસિડન્ટ છે કે જેઓને ૫૮ ટકા રેટિંગ મળ્યું છે. ગયા સર્વેમાં પણ વડાપ્રધા ન નરેન્દ્ર મોદી વૈશ્વિક રૅન્કિંગમાં ટૉપ પર હતા. 

narendra modi new delhi national news