27 November, 2024 09:55 AM IST | Mumbai | Shailesh Nayak
ગિરીશ શાહ, તેમનાં પત્ની ડૉ. રાજશ્રી, જેનાં મૅરેજ થયાં તે દીકરી ક્ષમા અને નીચે બેઠેલી દીકરી લબ્ધિ
મૂળ કચ્છના ગિરીશ શાહે ઇન્દોરમાં દીકરીનાં લગ્નમાં મહેમાનોને જૈન વીગન રસોઈ પીરસીને ચીલો ચાતર્યો : શાહ ફૅમિલી વીગન છે અને ડેરી-પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા વગર પણ ટેસ્ટી જમવાનું બની શકે છે એનો અહેસાસ કરાવ્યો સાજન-માજનને : પરવળ અને ટીનસાની મીઠાઈ અને બદામ-કાજુના દૂધમાંથી બનેલી કુલ્ફી ખવડાવી મહેમાનોને, ચા પણ બદામના દૂધમાંથી બનાવીને પીવડાવી
તમે પરવળ અને ટીનસાની મીઠાઈ ખાધી છે કે પછી કોળાના પેઠા ચાખ્યા છે?
આપણને થાય કે યાર, આવી તે કંઈ મીઠાઈ હોતી હશે? પરવળ અને ટીનસાનું તો શાક બને, મીઠાઈ થોડી બને? પણ હા, મૂળ કચ્છના ગિરીશ શાહે ઇન્દોરમાં યોજાયેલાં તેમની દીકરીનાં લગ્નમાં મહેમાનોને વેજિટેબલ મીઠાઈ પીરસીને આશ્ચર્યમાં મૂકવા સાથે મોજ કરાવી દીધી હતી. જાનૈયાઓ, માંડવિયાઓ અને મહેમાનોએ મનભરીને માત્ર મીઠાઈનો જ નહીં; ટેસ્ટફુલ જૈન વીગન રસોઈનો રસાસ્વાદ માણ્યો હતો.
ઇન્દોરમાં રહેતા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી ગિરીશ શાહની દીકરીનાં લગ્ન થોડા દિવસ પહેલાં થયાં હતાં. આખું શાહ ફૅમિલી વીગન છે એટલે તેમણે લગ્નમાં જૈન વીગન રસોઈ બનાવવાનું નક્કી કર્યું હતું એની વાત કરતાં ગિરીશ શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારી દીકરી ક્ષમાનાં લગ્ન ૧૮ નવેમ્બરે આયેશ ગાંધી સાથે થયાં હતાં. એમાં ઇન્દોરમાં પહેલી વાર એવું બન્યું કે જૈન વીગન લગ્ન થયાં હોય અને વીગન રસોઈ પીરસાઈ હોય. મારી વાઇફ ડૉ. રાજશ્રી, મોટી દીકરી લબ્ધિ અને જેનાં લગ્ન થયાં તે દીકરી ક્ષમા અમે બધાં વીગન છીએ. હું છેલ્લાં ૧૦ વર્ષથી વીગન ઍક્ટિવિસ્ટ છું. અમે લગ્નમાં જૈન વીગન રસોઈ બનાવી હતી. રસોઈમાં કંદમૂળનો ઉપયોગ કર્યો નહોતો, ડેરી-પ્રોડક્ટ્સ નહોતી કે ઍનિમલ પ્રોડક્ટ્સ ઉપયોગમાં લેવાઈ નહોતી. ચા બનાવવા માટે ડેરીના દૂધનો ઉપયોગ થાય છે, પરંતુ અમે લગ્નમાં બદામના દૂધની ચા બનાવી હતી. સબ્ઝીમાં પનીરને બદલે ટોફુનો ઉપયોગ કર્યો હતો. દહીં બનાવવા માટે દૂધનો ઉપયોગ થાય છે, પરંતુ અમે પીનટ એટલે કે મગફળીના દૂધમાંથી દહીં બનાવ્યું હતું. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને જૈન વીગન રસોઈ બનાવી હતી.’
આ લગ્નમાં મીઠાઈ વેજિટેબલમાંથી બનાવી હતી એની વાત કરતાં ગિરીશ શાહ કહે છે, ‘આ લગ્નમાં ખાસ તો અમે વેજિટેબલ મીઠાઈ બનાવી હતી. પરવળ અને ટીનસાનું શાક આવે છે એની મીઠાઈ બનાવી હતી. પરવળ અને ટીનસાની વચ્ચેનો ભાગ કાઢીને એમાં પિસ્તા, કાજુ અને બદામના માવાનું ફીલિંગ કરીને મીઠાઈ બનાવી હતી. આ સિવાય બદામની કાજુકતરી, બદામ અને મગદાળનો હલવો, ઘેવર તેમ જ કોળામાંથી પેઠા પણ બનાવ્યાં હતાં. આ ઉપરાંત બદામ અને કાજુના દૂધની કુલ્ફી બનાવી હતી. સામાન્ય રીતે કુલ્ફી બનાવવા માટે ડેરીના દૂધનો ઉપયોગ થતો હોય છે, પરંતુ અમે બદામ અને કાજુના દૂધનો ઉપયોગ કર્યો હતો.’
વીગન રસોઈ કેવી હશે, એનો ટેસ્ટ કેવો લાગે એ સહિતના પ્રશ્નો સ્વાભાવિક રીતે મનમાં ઊઠે; પણ અહીં તો લગ્નમાં મહેમાનોને જલસો પડી ગયો.
ડેરી-પ્રોડક્ટ્સ વગર પણ સારી રસોઈ બની શકે એવી ફીલિંગ મહેમાનોને થઈ. મહેમાનો મોંમાં આંગળાં નાખી ગયા કે વીગનની મીઠાઈ આવી ટેસ્ટી. ઇન્દોરની ગવર્નમેન્ટ ગર્લ્સ કૉલેજનાં પ્રોફેસર અને નવવધૂનાં મમ્મી ડૉ. રાજશ્રી શાહ કહે છે, ‘લોકોને વીગન પ્રત્યે એક સંદેહ રહેતો હોય છે કે દૂધ અને દૂધમાંથી બનતી ચીજોનો પ્રયોગ લગ્નમાં ન કરીએ તો મજા શું આવે? જોકે અમે બતાવવા માગતા હતા કે એના વગર પણ સારી રીતે અરેન્જમેન્ટ થઈ શકે છે. અમે ટોફુનો ઉપયોગ કરીને શાક બનાવ્યાં એ બધાને ભાવ્યાં. પરવળ અને ટીનસાની મીઠાઈ બનાવી એ તો બધાને બહુ પસંદ પડી. ઘણાએ તો પહેલી વાર આ મીઠાઈનો ટેસ્ટ કર્યો. લગ્ન વખતે અને આજે પણ મારા પર ફોન આવે છે અને લોકો કહે છે કે વેજિટેબલની મીઠાઈ અને વીગન રસોઈ ખાવાની અમને તો મજા પડી ગઈ, કઈ મીઠાઈ ખાવી એ ખબર નહોતી પડતી એટલી ટેસ્ટી બની હતી. કુલ્ફી બધાને બહુ જ ભાવી. ગેસ્ટ આશ્ચર્ય પામ્યા હતા, ખુશ થઈ ગયા હતા કે આવી ટેસ્ટી રસોઈ બની શકે એની કલ્પના નહોતી.’
ઘોડી નહીં, ફટાકડા નહીં, સિલ્કનાં કપડાં પણ નહીં
આ લગ્નમાં વરરાજા ઘોડી પર બેસીને નહોતા આવ્યા અને ફટાકડા પણ ફૂટ્યા નહોતા. ચામડાનો કે સિલ્કનો પણ પ્રયોગ નહોતો થયો. નો લેધર, નો સિલ્ક, નો વૂલના મંત્ર સાથે આ લગ્ન યોજાયાં હતાં. ગિરીશ શાહ કહે છે, ‘દીકરી સહિત અમારી ફૅમિલીએ ઓરિજિનલ સિલ્કનાં કપડાં પહેર્યાં નહોતાં. ગેસ્ટને પણ રિક્વેસ્ટ કરી હતી કે આ જૈન વીગન લગ્ન છે એટલે કૃપા કરીને આ પ્રકારનાં વસ્ત્રો પહેરીને ન આવો તો સારું. આ વિનંતીને સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોટા ભાગના મહેમાનો સુતરાઉ કે ટેરીકૉટન કપડાં પહેરીને લગ્નમાં આવ્યા હતા.’
ઘરમાં લગ્ન હોય એટલે સ્વાભાવિક રીતે ઘરની મહિલાઓ જાતજાતનાં કપડાં સીવડાવે અને તૈયાર કપડાં લેતી હોય છે, પરંતુ અહીં તો ફૅમિલી જ આખું વીગન છે એટલે તેમણે શું કર્યું એ વિશે ડૉ. રાજશ્રી શાહ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારી દીકરીનાં લગ્નમાં તેના સહિત અમે નાયલૉન, ટેરીકૉટનની સાડી તેમ જ ઓરિજિનલ નહીં પણ આર્ટિફિશ્યલ સિલ્કની સાડી સહિતનાં કપડાં પહેર્યાં હતાં. પર્યાવરણની જાળવણી માટે અમે બધા મહેમાનોને ગિફ્ટમાં છોડ આપ્યા હતા. મારી દીકરી અને જમાઈએ પ્લાન્ટેશન પણ કર્યું હતું.’
૨૦ રસોઇયાએ ચીવટપૂર્વક બનાવી વીગન રસોઈ
વીગન રસોઈ બનાવવી હોય તો નૉર્મલ રસોઈ કરતાં એ જુદી પડતી હોવાથી ખાસ ધ્યાન રાખવું પડે ત્યારે ઇન્દોરમાં થયેલી જૈન વીગન રસોઈમાં રસોઇયાઓએ ખાસ ધ્યાન રાખીને ભાવતાં ભોજન બનાવ્યાં હતાં. એની વાત કરતાં મધ્ય પ્રદેશ હલવાઈ સંઘના પ્રબંધક અને વીગન રસોઈ બનાવનાર ધરમચંદ્ર જોષી જેમને ધર્માગુરુ તરીકે બધા ઓળખે છે તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘નૉર્મલ રસોઈ ફટાફટ બની જાય, પણ વીગન રસોઈમાં થોડો ટાઇમ લાગે છે. આ રસોઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. વીગન રસોઈ બનાવવા મારી પાસે ટીમ છે અને ગિરીશ શાહને ત્યાં ૨૦ રસોઇયાઓ સાથે વીગન રસોઈ બનાવી હતી. આ રસોઈ માટે અમદાવાદથી ખાસ વીગન ઘી મગાવ્યું હતું. આ રસોઈમાં માવો, પનીર, દૂધ, દહીં, ગાજર, મૂળા, આદું જેવી કોઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો નહોતો.’