15 January, 2025 12:11 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અમૃત સ્નાન વખતે ભક્તો પર ગુલાબની પાંખડીઓની વર્ષા કરવામાં આવી હતી.
મહાકુંભમાં મકરસંક્રાન્તિના શુભ અવસર પર ગઈ કાલે પહેલા અમૃત સ્નાનમાં ત્રિવેણી ઘાટ પર ભાવિકોનો જનસાગર ઊમટી પડ્યો હતો અને ૩.૫૦ કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સાધુ-સંતો અને અખાડાના સાધુઓના અમૃત સ્નાન બાદ લોકોએ સ્નાન કર્યું હતું.
આ મુદ્દે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આસ્થા, સમતા અને એકતાના મહાસમાગમ મહાકુંભ-૨૦૨૫ પ્રયાગરાજમાં પાવન મકરસંક્રાન્તિના શુભ અવસરે આસ્થાની ડૂબકી લગાવનારા પૂજ્ય સંતગણ, કલ્પવાસી અને શ્રદ્ધાળુઓને હાર્દિક અભિનંદન; આશરે ૩.૫૦ કરોડથી વધુ લોકોએ ત્રિવેણીમાં સ્નાનના પુણ્યનો લાભ અર્જિત કર્યો હતો.
ગઈ કાલે અમૃત સ્નાન વખતે અશ્વારૂઢ પોલીસે નદીમાં જઈને ભક્તોના રક્ષણની જવાબદારી નિભાવી હતી.
ગઈ કાલે પહેલું અમૃત સ્નાન વહેલી સવારે વિભિન્ન અખાડાના સાધુઓના સ્નાન સાથે થયું અને તમામ ૧૩ અખાડાના સાધુઓ સંગમ તટ પર જવા તૈયાર હતા. હાથી, ઘોડા અને ઊંટ પર સવાર સાધુ-સંતોના હાથમાં ત્રિશૂળ, ગદા અને ભાલા-બરછી હતાં અને જય શ્રીરામ અને હર હર મહાદેવના જયઘોષ સાથે તેઓ સંગમ તટ માટે રવાના થયા ત્યારે કેટલાક કિલોમીટરની લાઇનો લાગી હતી. તેમનાં દર્શન કરવા માટે બેઉ તરફ લાખો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
નાગા સાધુઓએ પહેલું અમૃત સ્નાન કર્યું હતું. આધ્યાત્મિક ઉત્સાહ અને યુદ્ધ કળાના મનમોહક દૃશ્યથી તીર્થયાત્રીઓ મંત્રમુગ્ધ થયાં હતાં. તેમના પર પુષ્પવર્ષા કરવામાં આવતી હતી. લગભગ ૨૦ ક્વિન્ટલ ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા સરકાર દ્વારા કરવામાં આવી હતી.