19 January, 2025 12:33 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પ્રયાગરાજના મહાકુંભમાં પ્લાસ્ટિકનો કચરો ઓછો ફેલાય એ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને અન્ય સ્થાનિક સંગઠનોના સહયોગમાં ‘વન પ્લેટ, વન બૅગ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઓલ્ડ જી. ટી. રોડ પર સેક્ટર ૧૮માં RSSના સહ-સરકાર્યવાહ કૃષ્ણા ગોપાલે એની શરૂઆત કરી હતી. આ અભિયાનનો ઉદ્દેશ મહાકુંભ પ્લાસ્ટિકમુક્ત રહે એવો છે. આ માટે RSS દ્વારા કપડાની થેલી, સ્ટીલની પ્લેટ અને ગ્લાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓ અને ડિસ્પોઝેબલ વસ્તુઓના સ્થાને આ ચીજોનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. મહાકુંભને પ્લાસ્ટિકમુક્ત કરવા સાથે સમાજને પણ પ્લાસ્ટિકમુક્ત કરવા સામૂહિક પ્રયાસોની જરૂર છે એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ અભિયાન હેઠળ દેશભરમાંથી ૨૦ લાખ સ્ટીલની પ્લેટ અને ગ્લાસ એકઠાં કરવામાં આવ્યાં છે અને ૭૦,૦૦૦ ચીજોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. પ્લાસ્ટિક અને થર્મોકોલની જગ્યાએ આ પ્લેટમાં લંગરમાં ભોજન આપવા માટે એનું વિતરણ કરાઈ રહ્યું છે. મહાકુંભમાં ૪૫ દિવસમાં ૪૫ કરોડ લોકો સ્નાન કરે એવી શક્યતા છે.