22 January, 2025 10:15 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રયાગરાજમાં પહોંચેલા ગૌતમ અદાણી
અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણી તેમનાં પત્ની પ્રીતિ અદાણી તથા પરિવારના અન્ય સદસ્યો સાથે ગઈ કાલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પહોંચ્યા હતા અને મહાકુંભમાં ભાગ લીધો હતો. તેમણે ગંગા પૂજા અને મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો.
ગઈ કાલે સવારે ગૌતમ અદાણી અને પ્રીતિ અદાણી સેક્ટર 18માં આવેલા ઇસ્કૉન (ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ-ISKCON)ના ટેન્ટમાં પહોંચ્યાં હતાં. ઇસ્કૉનના સહયોગથી ગૌતમ અદાણી મહાકુંભમાં દરરોજ ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરે છે. આ અબજપતિ ઉદ્યોગપતિએ મેલા ગ્રાઉન્ડમાં પવિત્ર મહાપ્રસાદ બનાવવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને કુંભના શ્રદ્ધાળુઓને એ પીરસ્યો પણ હતો. તેમણે પરિવારના મેમ્બરો સાથે બેસીને કુંભનો પ્રસાદ આરોગ્યો પણ હતો.
મહાપ્રસાદ સેવા મહાકુંભના છેલ્લા દિવસ સુધી એટલે કે ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની છે. અદાણી ગ્રુપે ગીતા પ્રેસના સહયોગમાં મહાકુંભમાં આવનારા ભાવિકો માટે એક કરોડ આરતી સંગ્રહનું નિઃશુલ્ક વિતરણ કરવાની સેવા પણ આપી છે.
મારા દીકરાનાં લગ્ન સાદાઈથી થશે, એ સેલિબ્રિટીઝનો મહાકુંભ નહીં હોય- જીત અદાણીનાં લગ્નમાં ટેલર સ્વિફ્ટ પર્ફોર્મ કરવાની હોવાના અહેવાલ વચ્ચે ગૌતમ અદાણીની જાહેરાત
અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીનાં લગ્નમાં અમેરિકન પૉપસિંગર ટેલર સ્વિફ્ટ પર્ફોર્મ કરવાની છે એવા અહેવાલ છે ત્યારે ગૌતમ અદાણીએ જાહેરાત કરી છે કે આ લગ્ન સાદાઈથી થશે, એમાં સેલિબ્રિટીઝનો મહાકુંભ નહીં હોય. જીત અદાણીનાં લગ્ન સેલિબ્રિટીઝનો મહાકુંભ હશે એ મુદ્દે મીડિયાના સવાલોના જવાબ આપતાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ‘જીતનાં લગ્ન ૭ ફેબ્રુઆરીએ યોજાશે. અમારી પ્રવૃત્તિઓ સાદા માણસો જેવી હશે. તેનાં લગ્ન એકદમ સાદાઈથી થશે અને એ સંપૂર્ણ રીતે પારંપરિક પદ્ધતિથી થશે. એમાં સેલિબ્રિટીઝનો મહાકુંભ નહીં હોય.
ટેલર સ્વિફ્ટ અને અદાણી પરિવાર વચ્ચે વાતચીત
એક અહેવાલ જણાવે છે કે હજી સુધી ટેલર સ્વિફ્ટ ભારતમાં આવી નથી અને તેના ભારતમાં ડેબ્યુ વિશે સ્વિફ્ટની ટીમ અને અદાણી પરિવાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો આ ડીલ પાર પડે તો સ્વિફ્ટનો આ ભારતમાં પહેલો પર્ફોર્મન્સ બની જશે. ગયા ડિસેમ્બરમાં પૂરી થયેલી તેની ટૂરમાં તેણે બે અબજ ડૉલરની કમાણી કરી હતી.