17 January, 2025 08:23 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
શિવાનંદ બાબા છેલ્લાં ૧૦૦ વર્ષથી પ્રયાગરાજ, નાશિક, ઉજ્જૈન અને હરિદ્વારના તમામ કુંભમેળામાં ગયા છે.
બનારસના ૧૨૮ વર્ષના પદ્મશ્રી બાબા શિવાનંદ કલ્પવાસ માટે પ્રયાગરાજમાં છે અને તેઓ એક મહિનાની કઠિન ગણાતી સાધના કરી રહ્યા છે. બાબા શિવાનંદ યોગથી નીરોગી રહેવાનો સંદેશ આપે છે. યોગ તેમની દિનચર્યાનો નિયમિત હિસ્સો છે.
૧૮૯૬માં ૮ ઑગસ્ટે બાબા શિવાનંદનો જન્મ અવિભાજિત બંગાળના શ્રીહટ્ટના હરિપુર ગામમાં ગોસ્વામી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલમાં આ સ્થળ બંગલાદેશમાં છે. તેઓ ૬ વર્ષની ઉંમરથી નિયમિત દિનચર્યાનું પાલન કરે છે. સવારે બ્રહ્મમુહૂર્તમાં જાગી જાય છે અને સ્નાન-ધ્યાન કરીને યોગ-અભ્યાસ કરે છે. ત્યાર બાદ તેઓ એક કલાક સુધી રૂમમાં ચાલે છે. સવારે તેઓ પીસી નાખેલા ચેવડાના પાઉડરનો નાસ્તો કરે છે અને કદી ભરપેટ ખાતા નથી. તેમના પિતા શ્રીનાથ ગોસ્વામી અને માં ભગવતી દેવીએ તેમને ચાર વર્ષની ઉંમરે નવદ્વીપ નિવાસી બાબા ઓંકારાનંદ ગોસ્વામીને સમર્પિત કરી દીધા હતા. તેમણે કાશીમાં ગુરુના સાંનિધ્યમાં અધ્યાત્મની દીક્ષા લેવાની શરૂ કરી હતી.
બાબા શિવાનંદ ૬ વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતા અને બહેનનું ભૂખથી નિધન થયું હતું. બાળપણમાં તેમને ક્યારે પણ ભરપેટ ભોજન નહીં મળ્યું હોવાથી તેમણે આજીવન અડધું પેટ ભોજન લેવાનો સંકલ્પ કર્યો હતો. બપોરે તેઓ તેલ, મસાલા વિનાની શાકભાજી સાથે ભાત અને રોટલી ખાય છે અને સાંજે એક રોટલી ખાય છે. તેઓ કોઈના પણ સહારા વિના ફરી શકે છે, તેઓ ચશ્માં વિના જોઈ શકે છે. દરેક મોસમમાં તેઓ ધોતી અને કુરતો પહેરે છે.
બાબા શિવાનંદ બનારસમાં કબીરનગરમાં ત્રીજા માળ પર રહે છે અને રોજ દિવસમાં ત્રણથી ચાર વખત ચડઊતર કરે છે. ૧૨૨ વર્ષથી તેઓ યોગ કરે છે. તેમની શિબિરમાં સ્વિટ્ઝરલૅન્ડ, બંગલાદેશ, આસામ, ગુવાહાટી, ત્રિપુરા, જગન્નાથપુરી અને બૅન્ગલોરથી આવેલા અનુયાયી ઊતર્યા છે. ૨૦૨૨માં ૨૧ માર્ચે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાબા શિવાનંદને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
શું છે કલ્પવાસ?
કલ્પવાસ એક પ્રાચીન પરંપરા છે જેનો રામચરિતમાનસ અને મહાભારત જેવા ગ્રંથોમાં ઉલ્લેખ છે. કલ્પવાસ દરમ્યાન લોકો સંગમતટે સાધારણ તંબુઓમાં રહે છે અને આરામદાયક જીવન છોડીને રોજ ગંગાસ્નાન કરે છે, ભજન ગાય છે અને સંતોનો ઉપદેશ સાંભળે છે. આ એક પ્રકારની આધ્યાત્મિક અને તપસ્વી જીવન જીવવાની પ્રક્રિયા છે જે ૧૫ દિવસ કે એથી વધારે સમય સુધી ચાલે છે. કલ્પ શબ્દનો અર્થ લાંબો સમય છે અને વાસનો અર્થ નિવાસ કરવો એમ થાય છે. કલ્પવાસ કરવાનો સમયગાળો સામાન્ય રીતે પોષી પૂર્ણિમાથી મહા મહિનાની પૂર્ણિમા (અંગ્રેજી કૅલેન્ડર મુજબ જાન્યુઆરી-ફેબ્રુઆરી) દરમ્યાન આવે છે. આ સમય દરમ્યાન તપસ્યા અને ભક્તિ કરવામાં આવે છે અને વહેલી સવારે નદીમાં ડૂબકી લગાવીને દિવસની શરૂઆત કરવામાં આવે છે. ત્યાર બાદ આખો દિવસ ધ્યાન, પૂજા અને ઉપદેશોમાં ભાગ લેવાનો રહે છે. આપણા દેશમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને બિહારમાં આજે પણ ઘણા લોકો સામૂહિકરૂપે કલ્પવાસ કરે છે અને તેમને કલ્પવાસી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઠંડીના સમયગાળામાં નદીના પટમાં એક મહિનાનો સમયગાળો વિતાવે છે.