02 August, 2024 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મથુરા કૃષ્ણજન્મભૂમિ
મથુરાની શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદના મામલામાં ગઈ કાલે અલાહાબાદ હાઈ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. આ મામલામાં ભગવાન શ્રીકૃષ્ણ વિરાજમાન સહિત ૧૮ હિન્દુ પક્ષોએ કોર્ટમાં યાચિકા દાખલ કરીને શાહી ઈદગાહની જમીન પણ હિન્દુઓની હોવાનો દાવો કર્યો હતો. આની સાથે તેમણે હિન્દુ પક્ષોને આ જગ્યાએ પૂજાનો અધિકાર આપવાની પણ માગ કરી છે. જોકે આની સામે મુસ્લિમ પક્ષકારોએ પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ, વક્ફ બોર્ડ, લિમિટેશન ઍક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ ઍક્ટનો હવાલો આપીને હિન્દુ પક્ષોની યાચિકાને રદ કરવાની માગ કરી હતી, પરંતુ ગઈ કાલે જસ્ટિસ મયંક કુમાર જૈને મુસ્લિમ પક્ષકારોની અરજીને રદ કરી દેતાં હવે હિન્દુ પક્ષોની ૧૮ યાચિકાઓ પર એકસાથે સુનાવણી હાથ ધરવામાં આવશે.
મુસ્લિમ પક્ષકારોનું કહેવું હતું કે પ્લેસિસ ઑફ વર્શિપ ઍક્ટ મુજબ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે દેશનાં ધાર્મિક સ્થળોનું જે સ્ટેટસ હતું એમાં બદલાવ કરવાની પરવાનગી ન હોવાથી હિન્દુ પક્ષકારોની યાચિકા રદ કરી દેવી જોઈએ, જ્યારે હિન્દુ પક્ષકારોની દલીલ એવી છે કે શાહી ઈદગાહ મસ્જિદમાં કમળ અને શેષનાગનાં નિશાન મળી આવ્યાં હોવાથી મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાના એ પુરાવા છે. આને જ આધાર માનીને ગયા વર્ષે હાઈ કોર્ટે આ વિવાદિત જગ્યાએ સાયન્ટિફિક સર્વે કરવાનો આદેશ આપ્યો હતો જેની ખિલાફ મુસ્લિમ પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. જોકે સુપ્રીમ કોર્ટે શરૂઆતમાં હાઈ કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો, પણ ત્યાર બાદ હાઈ કોર્ટે જે રીતે સાયન્ટિફિક સર્વે માટે કમિશનરની નિમણૂક કરી હતી એ અસ્પષ્ટ હોવાથી સુપ્રીમ કોર્ટે એના પર જાન્યુઆરી મહિનામાં રોક લગાવી દીધી હતી.૧૯૬૮માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી મસ્જિદ ઈદગાહ ટ્રસ્ટ વચ્ચે એક ઍગ્રીમેન્ટ બનાવવામાં આવ્યું હતું, જેમાં ૧૦.૯૦ એકર જમીન શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને બાકીની ૨.૫ એકર જમીન શાહી મસ્જિદ માટે રાખવામાં આવી હતી.