03 September, 2024 07:34 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની ધરપકડ
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજમાં ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ ગઈ કાલે આ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની નાણાકીય ગેરરીતિના આરોપોમાં ધરપકડ કરી હતી. CBIએ આ સંદર્ભમાં કરેલા ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં ડૉ. ઘોષના કાર્યકાળ દરમ્યાન થયેલી ગેરરીતિઓનો ઉલ્લેખ કર્યો છે.
CBIએ સૉલ્ટ લેક વિસ્તારમાં આવેલી તેમની ઑફિસમાં ડૉ. ઘોષની ૧૫મા દિવસે પૂછપરછ કરી હતી. ત્યાર બાદ તેમને CBIની નિઝામ પૅલેસ ઑફિસમાં લઈ જવામાં આવ્યા હતા અને એજન્સીની ઍન્ટિ-કરપ્શન વિંગે તેમની ધરપકડ કરી હતી.
CBIના FIRમાં ડૉ. ઘોષ ઉપરાંત કલકત્તાની ત્રણ પ્રાઇવેટ કંપનીઓ મા તારા ટ્રેડર્સ (મધ્ય જોરેહાટ, બનીપુર, હાવડા), ઈશાન કૅફે (૪/૧, બેલ્ગાચિયા) અને ખામા લુહાનો સમાવેશ છે.