18 August, 2024 09:28 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં વિરોધ-પ્રદર્શન કરતા ડૉક્ટરો.
કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ હત્યાના કેસથી આખા દેશમાં આક્રોશ ફેલાયો છે એવા સમયે પશ્ચિમ બંગાળમાં મમતા બૅનરજી સરકારે એકસાથે ૪૨ ડૉક્ટરોની બદલી કરી દીધી છે. આ બદલીમાં તે ડૉક્ટરો સામેલ છે જેમણે આ ઘટનાના વિરોધમાં અવાજ ઉઠાવનારા સ્ટુડન્ટ્સ અને જુનિયર ડૉક્ટરોને ટેકો આપ્યો હતો.
મમતા સરકારનાં આરોગ્યપ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્ય સહિત બીજા નેતાઓએ હજી એ સ્પષ્ટ નથી કર્યું કે શા માટે આટલા મોટા પાયે બદલીઓ કરી દેવામાં આવી છે. તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે આ બદલીઓ વિશે વિપક્ષી પાર્ટીઓ અને ડૉક્ટરોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.
૧૫ ઑગસ્ટે કરવામાં આવેલી બદલીઓની જાણકારી આપતી આઠ પાનાંની યાદી ગઈ કાલે જાહેર થયા બાદ મમતા બૅનરજી સરકાર સામે આક્રોશ વધી ગયો છે. એવું જાણવા મળે છે કે મમતા બૅનરજીના વિરોધમાં અવાજ ઉઠાવનારા મેડિકલ કૉલેજ, કલકત્તા અને કલકત્તા નૅશનલ મેડિકલ કૉલેજના ડૉક્ટરોની બદલી કલકત્તાથી દૂર સિલિગુડી, તામલુક, ઝારગ્રામ જેવા વિસ્તારોમાં કરી દેવામાં આવી છે.
યુનાઇટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ અસોસિએશને આ બદલીઓનો જોરદાર વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે ‘૪૨ ડૉક્ટરોને એ માટે દંડિત કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે જુનિયર ડૉક્ટરો અને સ્ટુડન્ટ્સને સપોર્ટ કર્યો હતો, પણ આવાં પગલાં અમારી ન્યાય અને સુરક્ષાની માગણીને ડગાવી નહીં શકે. અમે એક છીએ અને અમારી લડત ચાલુ રહેશે.’
આ મુદ્દે BJPના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આને મમતા બૅનરજીની તાનાશાહી ગણાવી હતી. તેમણે ઍક્સ પોર્ટલ પર લખ્યું હતું કે ‘કલકત્તાની ઘટનાથી આખા દેશમાં રોષની લાગણી છે અને દરેક લોકો પીડિતાને ન્યાય મળે એ માટે માગણી કરી રહ્યા છે. જોકે તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નો એજન્ડા બળાત્કારીને બચાવવાનો છે. તેઓ દીકરીને બચાવવા માગતાં નથી. TMC એટલે તૃણમૂલ કૉન્ગ્રેસ નહીં, પણ તાલિબાન મુઝે ચાહિએ છે.’
પૂનાવાલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે કલકત્તા પોલીસ નાગરિકો અને પત્રકારોને તેમનો અવાજ ઉઠાવવા માટે નોટિસો મોકલી રહી છે અને તેમને સોશ્યલ મીડિયામાં રહેલી પોસ્ટને હટાવવાની ધમકી આપી રહી છે.
ડૉક્ટરોની માગણી પર કમિટીનું ગઠન થશે: કેન્દ્ર સરકાર
કલકત્તાની ઘટનાના પગલે દેશભરમાં રેસિડન્ટ ડૉક્ટરો છેલ્લા આઠ દિવસથી હડતાળ પર ઊતરી ગયા હોવાથી સરકારી હૉસ્પિટલોમાં કામકાજ ખોરવાઈ ગયું છે એવા સમયે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉક્ટરોને ફરી કામ પર આવી જવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે ડૉક્ટરોની માગણી પર કમિટીનું ગઠન કરવામાં આવશે અને ડૉક્ટરોની સુરક્ષા માટે તમામ રાજ્ય સરકારો પાસેથી સૂચનો માગવામાં આવશે. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ અસોસિએશને (IMA) જણાવ્યું હતું કે ઇમર્જન્સી સેવાઓ છોડીને હૉસ્પિટલોમાં તમામ કામકાજ બંધ છે, ડૉક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે એ જ અમારી મુખ્ય માગણી છે.
પીડિતાની ઓળખ જાહેર કરનારા લોકોને નોટિસ
કલકત્તામાં બળાત્કાર બાદ જેની હત્યા કરવામાં હતી એ ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટરની આઇડેન્ટિટી અને ફોટો સોશ્યલ મીડિયામાં જાહેર કરવામાં આવતાં રોષની લાગણી ફેલાઈ છે અને આ સામે કલકત્તા હાઈ કોર્ટે ચેતવણી આપી છે. કોઈ પણ બળાત્કાર પીડિતાની જાણકારી જાહેર નહીં કરવા માટે કાયદા છે અને એમાં બે વર્ષની કેદની સજાની જોગવાઈ છે એ છતાં કેટલાક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સરોએ તેની આઇડેન્ટિટી જાહેર કરી દીધી હતી. કલકત્તા હાઈ કોર્ટે આ સામે ચેતવણી જાહેર કરી છે. ડૉક્ટરનું નામ, ફોટોગ્રાફ, જ્યાં ઘટના બની હતી એ જગ્યા અને છેલ્લે પીડિતા ક્યાં મળી આવી હતી એ સહિતના ફોટોગ્રાફ જાહેર કરી દેવામાં આવ્યા છે. કલકત્તા હાઈ કોર્ટે આવા લોકોને આવી પોસ્ટ સર્ક્યુલેટ કરવા સામે ચેતવણી આપી છે. નિખિલ મિશ્રા નામના ઍક્સ યુઝરને પીડિતાનો ફોટો જાહેર કરવા બદલ કલકત્તા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૮ હેઠળ નોટિસ પાઠવી છે. તેને આ પોસ્ટ ડિલીટ કરવા જણાવવામાં આવ્યું છે, નહીંતર તેની સામે સખત પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય યુટ્યુબર ધ્રુવ રાઠી અને ઍક્ટ્રેસ જેનેલિયા દેશમુખે પણ તેમના પ્લૅટફૉર્મ પર તેમની પોસ્ટમાં આ વિશે જાણકારી આપી હતી. જોકે લોકોના વિરોધ બાદ તેમણે આ પોસ્ટ હટાવી દીધી હતી.
ભૂતકાળમાં થયો છે દંડ
૨૦૧૮માં કઠુઆ બળાત્કાર અને મર્ડર કેસમાં પીડિતાની આઇડેન્ટિટી જાહેર કરવાના કેસમાં દિલ્હી હાઈ કોર્ટે ૧૨ મીડિયા-હાઉસોને ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.