25 August, 2024 09:57 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
CCTV કૅમેરાનાં ફુટેજ
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાના કેસમાં પકડવામાં આવેલા મુખ્ય આરોપી ૩૩ વર્ષના સંજૉય રૉયે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની વિશેષ અદાલતમાં જણાવ્યું હતું કે મેં ગુનો કર્યો નથી, મને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે.
વિશેષ કોર્ટમાં CBIએ મુખ્ય આરોપી, આર. જી. કર મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ તથા અન્ય ચાર પર પૉલિગ્રાફ અથવા તો લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા માટેની મંજૂરી માગી હતી. મૅજિસ્ટ્રેટે આરોપીને પૉલિગ્રાફ ટેસ્ટ કરાવવાના સંદર્ભમાં જ્યારે તેની મંજૂરી માટે પૂછ્યું ત્યારે આરોપી સંજૉય રૉય ઇમોશનલ બન્યો હતો અને તેણે મૅજિસ્ટ્રેટને એમ કહ્યું હોવાનું જાણવા મળે છે કે મેં કોઈ અપરાધ કર્યો નથી, મને ફસાવવામાં આવી રહ્યો છે, કદાચ આ ટેસ્ટથી એ પુરવાર થઈ જશે.
સંજૉય રૉયને ગુરુવારે ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. સાઇકો ઍનલિટિક-ટેસ્ટમાં આરોપી જાનવર પ્રવૃત્તિનો હોવાનું CBI ઑફિસરોએ જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ આરોપીને આ કૃત્યનો કોઈ પસ્તાવો નહોતો અને તેણે આખી ઘટનાની રજેરજની જાણકારી અટક્યા વિના આપી હતી.
આરોપીની માતાનો દાવો : ઘણા લોકો આ કેસમાં સંડોવાયેલા છે, મારા દીકરાને ફસાવવામાં આવ્યો છે
કલકત્તાની આર. જી. કર હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર રેપ-મર્ડર કેસના મુખ્ય આરોપી સંજૉય રૉયની માતાએ સનસનાટીભર્યો આરોપ કરતાં દાવો કર્યો હતો કે ‘આ કેસમાં માત્ર એક જ માણસ સંડોવાયેલો નથી, ઘણા લોકો એમાં સંડોવાયેલા છે. મારા દીકરાને આમાં ફસાવવામાં આવ્યો છે. જોકે મને વિશ્વાસ છે કે આ કેસના સાચા આરોપીને પણ સજા થશે.’ સંજૉય રૉયની માતાએ કરેલા આ દાવાના પગલે હવે બીજા આરોપીઓને પકડવાની દિશામાં પણ તપાસ હાથ ધરાશે. જોકે તેનો એવો પણ દાવો છે કે મારો દીકરો નિર્દોષ છે, તેણે ચાર નહીં, પણ માત્ર એક જ વાર લગ્ન કર્યાં હતાં. જોકે સંજૉયની બહેને દાવો કર્યો છે કે સંજયે બે વાર લગ્ન કર્યાં હતાં.