કલકત્તાના જુનિયર ડૉક્ટરોએ સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવ્યો : હડતાળ ચાલુ રાખી

11 September, 2024 07:28 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કોર્ટે તેમને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હડતાળ પૂરી કરીને ફરજ પર આવવાનો આદેશ આપ્યો હતો

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

કલકત્તામાં આર. જી. કર હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ કરવામાં આવેલી તેની હત્યાના વિરોધમાં હડતાળ પર ઊતરી ગયેલા જુનિયર ડૉક્ટરોએ સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી દીધો છે અને તેમની હડતાળ ચાલુ રાખી છે. કોર્ટે તેમને ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં હડતાળ પૂરી કરીને ફરજ પર આવવાનો આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આમ કરશો તો તમારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં નહીં આવે, જો તમે હડતાળ ચાલુ રાખશો તો રાજ્ય સરકાર તમારી સામે કાનૂની કાર્યવાહી કરશે અને એવા કેસમાં અમે તમને નહીં બચાવી શકીએ.
જોકે જુનિયર ડૉક્ટરો ફરજ પર પાછા ફર્યા નહોતા અને જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે એમ જણાવ્યું હતું. જુનિયર ડૉક્ટરોએ કલકત્તાના પોલીસ કમિશનર, હેલ્થ સેક્રેટરી, હેલ્થ સર્વિસિસના ડિરેક્ટર અને મેડિકલ એજ્યુકેશનના ડિરેક્ટરને તેમના પદ પરથી હટાવવાની માગણી કરી છે, એ પછી જ તેઓ વાતચીત માટે તૈયાર થશે એમ 
જણાવ્યું છે.

kolkata national news india supreme court