27 August, 2024 08:35 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તાની આર.જી. કર મેડિકલ કૉલેજ અૅન્ડ હૉસ્પિટલની ટ્રેઇની ડૉક્ટર માટે ન્યાયની માગણી કરવા ગઈ કાલે દિવ્યાંગોએ વિરોધમોરચો કાઢ્યો હતો
કલકત્તામાં આર. જી. કર હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજમાં ૩૧ વર્ષની ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી સંજૉય રૉય પર શનિવારે પ્રેસિડન્સી જેલમાં પૉલિગ્રાફ-ટેસ્ટ કરવામાં આવી હતી. શનિવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓની ઉપસ્થિતિમાં આશરે સાડાત્રણ કલાક સુધી કરવામાં આવેલી આ ટેસ્ટમાં તેણે ચોંકાવનારો દાવો કરતાં કહ્યું હતું કે ‘હું હૉસ્પિટલના સેમિનાર હૉલમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તો ડૉક્ટરનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ જોઈને હું ગભરાઈ ગયો હતો અને ભયના આવેશમાં હું ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ કેસમાં હું નિર્દોષ છું.’
પૉલિગ્રાફ-ટેસ્ટના પરિણામને પુરાવા તરીકે વાપરી શકાતા નથી, પણ એ તપાસની દિશા નક્કી કરવામાં મદદ કરે છે.
મીડિયાના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે ટેસ્ટ વખતે સંજૉય રૉય ગભરાયેલો દેખાતો હતો. CBIના અધિકારીઓએ જ્યારે તેના વિરોધમાં ઘણા પુરાવા હોવાની વાત કરી ત્યારે તેણે ઘણાં બહાનાં પણ કર્યાં હતાં.
આ ઘટના બહાર આવી ત્યારે કલકત્તા પોલીસે તેની ધરપકડ કરી હતી અને પોલીસે દાવો કર્યો હતો કે તે મુખ્ય આરોપી છે અને તેણે ગુનો કબૂલી લીધો છે. જોકે એ પછી તેણે યુ-ટર્ન લેતાં કહ્યું હતું કે મને ફસાવવામાં આવ્યો છે. જેલના ગાર્ડ્સને તેણે જણાવ્યું હતું કે બળાત્કાર અને મર્ડર વિશે મને કંઈ જ ખબર નથી.
જોકે પોલીસ અને CBIના અધિકારીઓને તેના નિર્દોષ હોવાના દાવાઓમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે તે તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઘટના બની ત્યારે તેની ઘટનાસ્થળે ઉપસ્થિતિ અને તેના ચહેરા પરની ઈજા બાબતે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નથી.
ડૉ. સંદીપ ઘોષે CBIને ૯૦ મિનિટ રાહ જોવડાવી
મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની નાણાકીય હેરાફેરીના કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે CBIના અધિકારીઓ તપાસ માટે તેના ઘરે પહોંચ્યા ત્યારે તેમને ઘરની બહાર ૯૦ મિનિટ બહાર રાહ જોવી પડી હતી. આશરે દોઢ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ ડૉ. ઘોષના ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. CBIના ઍન્ટિ-કરપ્શન બ્રાન્ચના અધિકારીઓએ ડૉ. ઘોષના ઘર સહિત કલકત્તા અને હાવડાનાં કુલ ૧૫ સ્થળે તપાસ હાથ ધરી હતી. ડૉ. ઘોષ સામે આરોપ છે કે તેઓ બિનવારસી મૃતદેહોનો ગેરકાયદે ઉપયોગ કરતા હતા, હૉસ્પિટલની બાયો-મેડિકલ વેસ્ટ વેચતા હતા અને કમિશન મળે એવાં જ ટેન્ડર મંજૂર કરતા હતા. CBIના સાત અધિકારીઓએ ડૉ. ઘોષના ઘરે સવારે ૮થી સાંજે ૭ વાગ્યા સુધી તપાસ કરી હતી. આ સર્ચ-ઑપરેશનમાં અધિકારીઓને ઘણા પુરાવા મળ્યા છે.