રાહુલ ગાંધી કહે છે કે મિસ ઇન્ડિયાની સૂચિમાં કોઈ દલિત કે આદિવાસી નથી

26 August, 2024 08:46 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે તેમની વાતો પર તાળી પાડનારા પણ એટલા જ જવાબદાર

કિરેન રિજિજુ, રાહુલ ગાંધી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંવિધાન સન્માન-સંમેલનમાં બોલતાં કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મિસ ઇન્ડિયા સ્પર્ધામાં કોઈ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની મહિલા જોવા નહીં મળે એવી ટિપ્પણી કરી હતી એ મુદ્દે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ આ નિવેદનની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે ‘હવે તેમને મિસ ઇન્ડિયા સ્પર્ધા, ફિલ્મ અને સ્પોર્ટ્સમાં પણ અનામત જોઈએ છે. આ બાળબુદ્ધિનો સવાલ નથી, જે લોકો તેમને ચિયર કરે છે તેઓ પણ એટલા જ જવાબદાર છે. બાળક જેવું વર્તન કદાચ મનોરંજક લાગતું હશે, પણ આવી વિભાજનકારી વાતો દ્વારા પછાત જાતિની મજાક ઉડાવવામાં આવી રહી છે.’

શનિવારે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની સરકાર પર હુમલો કરતાં એક સંમેલનમાં કહ્યું હતું કે ‘દેશના ૯૦ ટકા લોકોની ભાગીદારી વિના દેશ નહીં ચાલી શકે. મેં મિસ ઇન્ડિયાનું લિસ્ટ જોયું છે. એમાં દલિત, આદિવાસી કે અધર બૅકવર્ડ કાસ્ટ (OBC)ની એક પણ મહિલા નથી. મીડિયા માત્ર ડાન્સ, મ્યુઝિક, ક્રિકેટ અને બૉલીવુડની વાતો કરશે, કોઈ પણ મોચી કે પ્લમ્બરને નહીં બતાવે. અહીં સુધી કે મીડિયાના ટોચના ઍન્કર પણ આ ૯૦ ટકા લોકોમાંથી નથી. તેઓ કહેશે કે મોદીજીએ કોઈને ગળે લગાવ્યા અને આપણે મહાશક્તિ બની ગયા, પણ જ્યાં ૯૦ ટકા લોકોની કોઈ ભાગીદારી નથી ત્યાં આપણે મહાશક્તિ કેવી રીતે બની જઈએ?’

rahul gandhi congress bharatiya janata party political news delhi uttar pradesh