30 March, 2023 01:48 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
ખાલિસ્તાની નેતા અમ્રિતપાલ સિંહ
છેલ્લા ૧૨ દિવસથી ફરાર ખાલિસ્તાની નેતા અમ્રિતપાલ સિંહ હવે સરેન્ડર કરે એવી શક્યતા છે. અમ્રિતપાલ સિંહ સુવર્ણ મંદિરમાં સરેન્ડર કરશે એવી અટકળો છે, જેના લીધે પંજાબ પોલીસ અલર્ટ થઈ ગઈ છે અને સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. સોર્સિસ અનુસાર અમ્રિતપાલે સરેન્ડર પહેલાં ત્રણ શરતો મૂકી છે. તેની પહેલી શરત એ છે કે એને સરેન્ડર તરીકે ગણવામાં આવે, ધરપકડ નહીં. બીજી શરત એ છે કે તેને પંજાબની જ જેલમાં રાખવામાં આવે. ત્રીજી શરત એ છે કે તેને જેલ કે કસ્ટડીમાં મારવામાં ન આવે.
દરમ્યાનમાં અમ્રિતપાલે ગઈ કાલે એક વિડિયો રિલીઝ કરીને સિખોને ઉશ્કેરતાં કહ્યું હતું કે ‘હું દેશ અને વિદેશમાં હાજર સિખોને અપીલ કરું છું કે તેઓ આગળ આવે. જો આજે આપણે સામનો નહીં કરી શકીએ તો પંજાબના ભવિષ્યને બચાવવું મુશ્કેલ થઈ જશે. સરકારનો ઇરાદો મારી ધરપકડ હોત તો અત્યાર સુધીમાં થઈ ગઈ હોત. જોકે એનો હેતુ અલગ છે. એટલા માટે એણે હજારો પોલીસને તહેનાત કરી છે.’
તેણે વધુ જણાવ્યું હતું કે ‘આ સરકારે નિર્દોષ લોકોને જેલમાં કેદ કર્યા છે. મહિલાઓ અને બાળકોને પણ બક્ષવામાં આવ્યાં નથી. આ મામલો માત્ર મારી ધરપકડનો નથી. બલકે સિખ સંપ્રદાયનો છે. મને ધરપકડથી ડર લાગતો નથી, હું તો સિખ સંપ્રદાય માટે લડી રહ્યો છું.’
તેણે સિખ સંપ્રદાયના નેતાઓને જણાવ્યું હતું કે સિખોએ આગળ વધવું હોય તો પછી લડવું પડશે.
પોલીસે અમ્રિતપાલના બે સાથીઓની અટકાયત કરી છે. તેઓ બંને હોશિયારપુરમાં અમ્રિતપાલની કારની પાછળ જઈ રહ્યા હતા. એની પહેલાં અમ્રિતપાલ હોશિયારપુરમાં જોવા મળ્યો હતો. હોશિયારપુરમાં એક ઇનોવા કારમાં અમ્રિતપાલ જોવા મળ્યો હતો.
જોકે પોલીસે અમ્રિતપાલને ઘેરીને પકડવાની કોશિશ કરી ત્યારે કાર ખાલી જોવા મળી હતી.