11 June, 2024 10:40 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
સુરેશ ગોપી
મિનિસ્ટર ઑફ સ્ટેટ (રાજ્ય પ્રધાન) તરીકે શપથ લેનારા કેરલાના BJPના પહેલા સંસદસભ્ય સુરેશ ગોપીએ પહેલાં કહ્યું કે તેમને કેન્દ્રીય પ્રધાનમંડળમાં રહેવું નથી, તેમને પ્રધાનમંડળમાંથી મુક્ત કરવામાં આવે. જોકે આ સ્ટેટમેન્ટ આવ્યાના કલાકોમાં જ સુરેશ ગોપીએ સ્પષ્ટતા કરી હતી કે ‘અમુક મીડિયા-પ્લૅટફૉર્મ્સ ખોટા ન્યુઝ ફેલાવી રહ્યાં છે કે હું મોદી સરકારમાંથી પ્રધાનપદેથી રાજીનામું આપવાનો છું. આ સાવ ખોટી વાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ અમે કેરલાનો વિકાસ કરવા કટિબદ્ધ છીએ.’
શપથ ગ્રહણ સમારોહ બાદ સુરેશ ગોપીએ એક મલયાલમ ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘હું એક સંસદસભ્યના રૂપમાં જ કામ કરવા માગું છું એટલે કેન્દ્રીય પ્રધાનમંડળમાં મારે રહેવું નથી. મેં પાર્ટીના નેતાઓને જણાવ્યું છે કે મને મંત્રીપદમાં કોઈ રસ નથી. મને લાગે છે કે હું જલદી મુક્ત થઈ જઈશ. થ્રિસૂરના લોકો મને સારી રીતે જાણે છે. એક સંસદસભ્ય તરીકે હું સારું કામ કરી શકીશ. જોકે આ મુદ્દે પાર્ટી નિર્ણય લેશે.’
ચૂંટણી જીત્યા બાદ પણ સુરેશ ગોપીએ કહ્યું હતું કે હું ફિલ્મ-ઇન્ડસ્ટ્રી નહીં છોડું, કારણ કે ઍક્ટિંગ મારું પૅશન છે. મારી પાસે ઘણા ફિલ્મ-પ્રોજેક્ટ છે. સુરેશ ગોપીએ પ્રચાર વખતે કહ્યું હતું કે થ્રિસૂરમાંથી કેન્દ્રીય પ્રધાન, એ મોદીની ગૅરન્ટી. કેરલામાંથી કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા બે પૈકી એક સુરેશ ગોપી છે. બીજા નેતા જ્યૉર્જ કુરિયન છે. સુરેશ ગોપી કેરલાના પહેલા સંસદસભ્ય છે અને થ્રિસૂર લોકસભા બેઠક પર તેઓ ૭૫,૦૦૦ મતના માર્જિનથી ચૂંટાઈ આવ્યા છે.