10 May, 2024 08:02 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કેરલાના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન
કેરલાના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને બુધવારે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી અને બે હાથ જોડી પ્રભુ રામનાં દર્શન કર્યાં હતાં. અયોધ્યા આવી પ્રભુ શ્રીરામની પૂજા કરવી એ આપણા સૌ માટે ગૌરવનો વિષય છે એમ ગવર્નરે પત્રકારોને જણાવ્યું હતું. કેરલાના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને ઘૂંટણિયે પડીને જય શ્રીરામના સૂત્રોચ્ચાર સાથે રામલલાનાં દર્શન કર્યાં હતાં. એ સમયે પોતે ભાવુક થઈ ગયા હોવાનું આરિફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું. આ પહેલાં શરિયત વિશે તેમણે જણાવ્યું હતું કે ‘ઇસ્લામી કાનૂન શરિયત બાદશાહોની જરૂરિયાત પૂરી કરવા બનાવાયો છે. આ કાનૂન ભેદભાવ કરે છે. ૯૦ ટકા ઇસ્લામી કાનૂનોને ઇસ્લામ સાથે કોઈ લેવાદેવા નથી.’
તેમણે એમ પણ કહ્યું છે કે કુરાનમાં લખેલી વાતોને ખોટી રીતે સમજાવવાનું પણ એક અપરાધ છે. પોતાનાં નિવેદનો વિશે હંમેશાં ચર્ચામાં રહેનારા આરિફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે ‘અફઘાનિસ્તાનમાં રહેનારને અફઘાની, અરબસ્તાનમાં રહેનારને અરબી તરીકે ઓળાખાવાય તો હિન્દુસ્તાનમાં જન્મેલાને હિન્દુ તરીકે શા માટે ન ઓળખાવાય. હિન્દુસ્તાનમાં જન્મનાર દરેક વ્યક્તિ હિન્દુ છે. આ બાબતને ધર્મ સાથે સાંકળવાનું બરાબર નથી.’ સનાતન સંસ્કૃતિને પુનર્જિવીત કરવા તેમણે ભાર મૂકયો છે. તેમનું માનવું છે કે સનાતન સંસ્કૃતિ કર્તવ્ય કેન્દ્રિત છે, નહીં કે અધિકાર કેન્દ્રિત. તેમણે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને સમાપ્ત કરવાની હિમાયત કરી હતી. આ પહેલાં શબરીમાલા મંદિર પહોંચી ભગવાન અયપ્પાનાં પણ તેમણે દર્શન કર્યાં હતાં. ૧૯૮૬માં શાહબાનો કેસમાં રાજીવ ગાંધીની સરકારના વલણ સામે તેમણે રાજ્ય કક્ષાના પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું