‘ધ કેરલા સ્ટોરી’ને સીએમ વિજયને શા માટે આરએસએસનો અપપ્રચાર ગણાવ્યો?

01 May, 2023 11:11 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

રાજ્યની વિરુદ્ધ નફરતની લાગણી ફેલાવવા માટે ઇરાદાપૂર્વક આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. - પિનરાઈ

કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન

`ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને લઈને વિવાદ થયો છે. હવે આ મામલે કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનનું રીઍક્શન આવ્યું છે. તેમણે આ ફિલ્મની ટીકા કરી છે અને સંઘ પરિવારને પણ ટાર્ગેટ કર્યો હતો. વિજયને કહ્યું હતું કે પહેલી દૃષ્ટિએ આ ફિલ્મનું ટ્રેલર બે સમુદાયો વચ્ચે ભાગલા પાડનારું છે. રાજ્યની વિરુદ્ધ નફરતની લાગણી ફેલાવવા માટે ઇરાદાપૂર્વક આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. દુનિયા સમક્ષ રાજ્યને બદનામ કરવા માટે ફિલ્મના મુખ્ય આધાર તરીકે કેરલા રજૂ કરવામાં આવ્યું છે.

વિજયને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આ ફિલ્મના ટ્રેલરથી સંકેત મળે છે કે આ ફિલ્મ ધર્મનિરપેક્ષતાની ધરતી કેરલામાં ધાર્મિક ઉગ્રવાદના કેન્દ્ર તરીકે સ્થાપિત સંઘ પરિવારના પ્રચારને ફેલાવવાની કોિશશ કરી રહી છે. કેરલામાં ઇલેક્શન પૉલિટિક્સમાં લાભ મેળવવા માટે સંઘ પરિવાર દ્વારા કરવામાં આવતા જુદા-જુદા પ્રયાસોના બૅકગ્રાઉન્ડમાં પ્રચાર ફિલ્મો અને મુસ્લિમો પ્રત્યેના તેમના વલણને જોવું જરૂરી છે. એ લવ જિહાદનો આરોપ મૂકવા માટે એક વ્યવસ્થિત પગલાંનો ભાગ છે જેને તપાસ એજન્સીઓ, અદાલતો અને ત્યાં સુધી કે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ ફગાવી દીધું હતું.

‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મમાં દાવો કરવામાં આવ્યો છે કે કેરલા રાજ્યની ૩૨,૦૦૦ હિન્દુ છોકરીઓનું ધર્મપરિવર્તન કરાવીને તેમને સિરિયા લઈ જઈને આઇએસઆઇએસમાં સામેલ કરાવી દેવામાં આવી હતી.

kerala national news jihad rashtriya swayamsevak sangh