કેરલાના મુખ્ય પ્રધાને કહ્યું કે હમાસના લીડરના ભાષણની તપાસ થશે

31 October, 2023 10:10 AM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

પોલીસ તપાસ કરી રહી છે કે એની પાછળ બીજો શું ઇરાદો હોઈ શકે છે

કોચીમાં કલામસેરીમાં ગઈ કાલે સમરા કન્વેન્શન સેન્ટર ખાતે બ્લાસ્ટના સ્થળે ઇન્સ્પેક્શન કરી રહેલા નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્‍સના જવાનો (તસવીર : પી.ટી.આઇ.)

કેરલામાં જેહોવાહઝ વિટ્નેસિસ ક્રિશ્ચન ધાર્મિક ગ્રુપની પ્રાર્થનાસભામાં રવિવારે થયેલા બ્લાસ્ટના પહેલાં હમાસ આતંકવાદી ગ્રુપના લીડરે આપેલા ભાષણની તપાસ કરવામાં આવશે. કેરલાના મુખ્ય પ્રધાન પી. વિજયને આ વાત જણાવી છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે પોલીસ હમાસના લીડર દ્વારા આપવામાં આવેલા વર્ચ્યુઅલ ભાષણની તપાસ કરશે. માર્ટિન ડોમિનિક નામની એક વ્યક્તિએ પ્રાર્થનાસભામાં થયેલા વિસ્ફોટોની જવાબદારી સ્વીકારી છે. પોલીસ તપાસ કરી રહી છે કે એની પાછળ બીજો શું ઇરાદો હોઈ શકે છે.

કેરલાના એર્નાકુલમ જિલ્લામાં થયેલા સિરિયલ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારનારા માર્ટિનની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. સરેન્ડર થતાં પહેલાં માર્ટિને ફેસબુક પર એક વિડિયો રિલીઝ કરીને જણાવ્યું હતું કે શા માટે તેણે આ પ્રાર્થનાસભામાં સિરિયલ બ્લાસ્ટ કર્યા હતા.

kerala kochi national news