01 March, 2023 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આતંકવાદીઓ એક મસ્જિદની અંદર છુપાયા હતા, આ ઑપરેશનમાં આર્મીનો એક જવાન શહીદ થયો
શ્રીનગર (પી.ટી.આઇ.)ઃ દિક્ષણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગઈ કાલે વહેલી સવારે એક મસ્જિદની અંદર સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ બન્ને આતંકવાદીઓ તાજેતરમાં એક કાશ્મીરી પંડિતની હત્યામાં સંડોવાયેલા હોવાનું જણાવાયું છે. આ ઑપરેશનમાં આર્મીનો એક જવાન શહીદ થયો હતો.
ઓછામાં ઓછા બે આતંકવાદીઓ મસ્જિદની અંદર છુપાયા હોવાની બાતમી મળવાને પગલે સુરક્ષા દળોએ પદગમપોરા ગામના એક એરિયાને ઘેરી લીધો હતો.
એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ બે લોકલ આતંકવાદીઓ એક મસ્જિદની અંદર છુપાયા હોવાને કારણે સુરક્ષા દળોએ અત્યંત સંયમથી કામ લીધું હતું. મસ્જિદને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એની ખાતરી કરવા માટે અમે મક્કમ હતા.’
આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં 55 રાષ્ટ્રીય રાઇફલ્સમાં તહેનાત એક સૈનિકને જાંઘમાં ગોળી વાગી હતી. લોહી ખૂબ જ વહી જવાને કારણે તે સૈનિક બચી શક્યો નહીં.
અકિબ મુસ્તાક ભટ નામનો આતંકવાદી મસ્જિદમાં ઠાર મરાયો હતો, જ્યારે એજાઝ અહેમદ ભટ નામનો બીજો આતંકવાદી કૂદીને બહાર નીકળી ગયો હતો અને મસ્જિદની પાસેના એક મકાનમાં તેણે આશરો લીધો હતો.
લોકેશન ટ્રૅક કરીને સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો હતો અને ઠાર માર્યો હતો. રવિવારે પુલવામામાં અચનમાં સંજય શર્મા નામના એક બૅન્ક-ગાર્ડની આતંકવાદીઓએ હત્યા કરી હતી.