27 February, 2023 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિક્ષણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અચન એરિયામાં ગઈ કાલે વિલાપ કરી રહેલા કાશ્મીરી પંડિત સંજય શર્માના પરિવારજનો.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓની ટાર્ગેટેડ હત્યાઓ અટકવાનું નામ નથી લેતી. હવે પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિતની હત્યા કરી છે. પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે મૃત્યુ પામનારો સંજય શર્મા અચનનો કાશ્મીરી પંડિત હતો. તે લોકલ માર્કેટમાં જઈ રહ્યો હતો
ત્યારે આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજા થઈ હતી.
તેને નજીકની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. શર્મા એક બૅન્કના એટીએમમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.
કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘આતંકવાદીઓએ સંજય શર્મા નામના લઘુમતી સમાજના એક નાગરિક પર ગોળીબાર કર્યો હતો. અચન પુલવામાનો આ નિવાસી લોકલ માર્કેટમાં જઈ રહ્યો હતો ત્યારે તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.’
પોલીસે જણાવ્યું હતું કે આ ગામમાં લઘુમતી સમાજના રક્ષણ માટે એક હથિયારધારી જવાનને તહેનાત કરવામાં આવ્યો હતો અને કયા સંજોગોમાં આ હુમલો થયો એ મામલે તપાસ ચાલી રહી છે. હિન્દુ નાગરિક પર છેલ્લા ચાર મહિનામાં આ પહેલો અટૅક છે, જ્યારે કાશ્મીરી લોકલ પર છેલ્લા બે દિવસમાં આ બીજો ટાર્ગેટેડ હુમલો છે. એક આતંકવાદીએ અનંતનાગમાં અસિફ અલી ગનઈને ગોળી મારીને તેને ઇન્જર્ડ કર્યો હતો. તેના પિતા પોલીસ હેડ કૉન્સ્ટેબલ હતા જે ગયા વર્ષે એક આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા.
કાશ્મીરમાં ગયા વર્ષે અનેક ટાર્ગેટેડ હત્યાઓ થઈ હતી, જેમાંથી મોટા
ભાગના પીડિત પ્રવાસી શ્રમિકો કે કાશ્મીરી પંડિતો હતા.