04 January, 2025 08:08 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
ચંદન ગુપ્તા
ઉત્તર પ્રદેશના કાસગંજમાં ૨૦૧૮માં ૨૬ જાન્યુઆરીએ તિરંગાયાત્રા વખતે ચંદન ગુપ્તાની હત્યા કરનારા ૨૮ આરોપીઓને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની વિશેષ કોર્ટે આજીવન કારાવાસની સજા ફરમાવી છે. તિરંગાયાત્રા વખતે થયેલાં તોફાનોમાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાને ૭ વર્ષ બાદ ન્યાય મળ્યો છે. વિશેષ કોર્ટે ગુરુવારે ૩૦માંથી ૨૮ આરોપીને દોષી જાહેર કર્યા હતા અને ગઈ કાલે સજા સંભળાવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિનીના કાર્યકરોએ ૧૦૦ મોટરસાઇકલ પર તિરંગા અને ભગવા ઝંડા લઈને રૅલી કાઢી હતી. આ તિરંગાયાત્રામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)નો કાર્યકર ચંદન ગુપ્તા સૌથી આગળ હતો અને મુસ્લિમ યુવાનો સાથે તેની બોલાચાલી થઈ હતી. એ પછી તોફાનો શરૂ થયાં હતાં અને ચંદન ગુપ્તાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં સારવાર વખતે તેનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ કાસગંજમાં અનેક દિવસો સુધી પરિસ્થિતિ ખરાબ રહી હતી. આશરે એક અઠવાડિયા સુધી તોફાનો થયાં હતાં.
લખનઉની NIAએ કોર્ટે ૩૦માંથી ૨૮ આરોપીઓને હત્યા, હત્યાનો પ્રયાસ, તોફાનો અને ધ્વજના અપમાનના મામલે દોષી માન્યા હતા. બે આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે.
પરિવારે છત પર તિરંગો લહેરાવીને ચુકાદાનું સ્વાગત કર્યું
ચંદન ગુપ્તાના પરિવારજનોએ તેમના ઘરની છત પર તિરંગો લહેરાવીને આ ચુકાદાનું સ્વાગત કર્યું હતું. આંખમાં આંસુ સાથે તેની મમ્મી સંગીતા ગુપ્તાએ કહ્યું હતું કે ‘અમારું બધું છીનવાઈ ગયું છે, પણ ચુકાદાથી મને શાંતિ મળી છે. એવું લાગે છે કે મારો દીકરો ચંદન હાલમાં મારા આંગણામાં ઊભો છે. અમે ઘણો સંઘર્ષ કર્યો છે. તમામને ફાંસીની સજા આપવાની જરૂર હતી.’
આજીવન કારાવાસની સજા કોને-કોને થઈ?
આજીવન કારાવાસની સજા જેમને થઈ છે એવા આરોપીઓમાં વસીમ જાવેદ, નસીમ, ઝાહિદ, ફૈઝાન, મુનાઝીર, રફી, અસલમ, તૌફીક, ખિલ્લન, આસિફ જિમવાલા, ઇમરાન, સાકિર, શવાબ અલી, ઝીશાન, રાહત, મોહસિન, ઝફર, શમશાદ, ખાલીદ પરવેઝ, ફૈઝાન, આમિર, સલીમ વગેરેનો સમાવેશ છે.