12 November, 2024 12:34 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
યોગ ટીચરે મોતને હાથતાળી આપીને પાંચ કિડનૅપરોને પકડાવી દીધા
કર્ણાટકમાં યોગ ટીચરનું અપહરણ કર્યા બાદ તેને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી, પણ શ્વાસ રોકવાની પદ્ધતિ જાણતી યોગ ટીચરે મોતને હાથતાળી આપીને પાંચ કિડનૅપરોને પકડાવી દીધા હતા. આ ચોંકાવનારી ઘટના કર્ણાટકના દેવનહલ્લીમાં બની હતી જ્યાંથી ૨૩ ઑક્ટોબરે ૩૪ વર્ષની યોગ ટીચર અર્ચનાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને જંગલ વિસ્તારમાં લઈ જવામાં આવી હતી. તેને નિર્વસ્ત્ર કરી તેની છેડતી કરવામાં આવી હતી. તેના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા અને ગળે ટૂંપો આપી તેની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આટલીબધી યાતનામાંથી તે હેમખેમ બચી હતી.
પતિ સાથે ખટરાગ
યોગ ટીચર અર્ચનાને બે સંતાન છે અને તેના પતિ સાથે બૅન્ગલોરના કૃષ્ણરાજપુરમમાં રહેતી હતી. પતિ સાથે તેને ખટરાગ હોવાથી તેને એ જ વિસ્તારમાં રહેતા સંતોષ કુમાર સાથે રિલેશનશિપ થઈ હતી.
સુપારી આપી
સંતોષ કુમારની ૨૭ વર્ષની પત્ની બિંદુને પતિની અર્ચના સાથેની દોસ્તી પસંદ નહોતી. તેમની વચ્ચે આ મુદ્દે ઝઘડા થતા હતા. આથી બિંદુએ યોગ ટીચર અર્ચનાને મારી નાખવાની યોજના બનાવી હતી. તેણે ડિટેક્ટિવ એજન્સી ચલાવતા સતીશ શેટ્ટીનો સંપર્ક કર્યો. બિંદુએ અર્ચનાને મારવાની સુપારી સતીશ શેટ્ટીને આપી હતી. બિંદુએ સતીશને રોકડા રૂપિયાની સાથે બૅન્ક-ટ્રાન્સફર દ્વારા નાણાં ચૂકવ્યાં હતાં.
યોગ ટીચર સાથે દોસ્તી કરી
બિંદુએ આપેલા પ્લાન મુજબ સતીશ શેટ્ટીએ કૃષ્ણરાજપુરમમાં જઈને અર્ચનાની મુલાકાત કરી અને જણાવ્યું કે તે આર્મીમાં કામ કરતો હતો અને તેની પીઠમાં દર્દ થાય છે તેથી યોગ દ્વારા એ દર્દ દૂર કરવા માગે છે. આમ થોડા દિવસોમાં તેમની ઓળખ પ્રસ્થાપિત થઈ અને બેઉ વચ્ચે દોસ્તી થઈ. તેણે કહ્યું કે તે પ્રૉપર્ટી લે-વેચનું પણ કામ કરે છે.
૨૩ ઑક્ટોબરે અપહરણ
૨૩ ઑક્ટોબરે પ્રૉપર્ટી બતાવવાના નામે સતીશ શેટ્ટી યોગ ટીચરને તેની કારમાં બેસાડીને ગાઢ જંગલમાં લઈ ગયો. કાર ખોટા રસ્તે જતી હોવાથી યોગ ટીચરને શક ગયો અને એ જ સમયે કારમાં બે જણે તેના પર હુમલો કર્યો.
મરવાનું નાટક કર્યું
અર્ચના પર થયેલા હુમલામાં તેણે બેહોશ થવાનું નાટક કર્યું અને શ્વાસ પર એવી રીતે કાબૂ મેળવી લીધો કે એમ જ જણાય કે તે મરી ગઈ છે. તેણે જાણીજોઈને મરી જવાનું નાટક કર્યું હતું. સતીશ અને તેના સાથીદારોને થયું કે અર્ચના મરી ગઈ છે એટલે તેમણે અર્ચનાએ પહેરેલા દાગીના ઉતારી લીધા, નિર્વસ્ત્ર કરી, છેડતી કરી અને કેબલના વાયરથી તેનું ગળું ટૂંપી દેવાનો પ્રયાસ કર્યો. તેઓ તેને જંગલમાં એક ખાડામાં ફેંકીને જતા રહ્યા.
ગામલોકો મદદે આવ્યા
ખાડામાં પડેલી અર્ચના સ્થાનિક લોકોની મદદથી બહાર આવી, ગામલોકોએ તેને કપડાં આપતાં એ પહેરીને ઘરે ગઈ અને બીજા દિવસે હૉસ્પિટલમાં દાખલ થઈને ઇલાજ કરાવ્યો. એ પછીના દિવસે તેણે પોલીસ-સ્ટેશનમાં જઈને સતીશ શેટ્ટી અને અન્ય સામે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓની ધરપકડ
આ કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સ્પેશ્યલ ટીમની રચના કરીને સતીશ શેટ્ટી, તેના સાથીદારો નાગેન્દ્ર રેડ્ડી, રમના રેડ્ડી અને રવિ કુમારની ધરપકડ કરી હતી. જે કારમાં અપહરણ કરવામાં આવ્યું એ જપ્ત કરવામાં આવી છે અને સુપારી આપનારી બિંદુની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. ટીચરના ચોરાયેલા દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.