25 March, 2023 09:01 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
કર્ણાટક (Karnatak)માં ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષામાં ભંગની ઘટના સામે આવી છે. અહીં પીએમની રેલી દરમિયાન સુરક્ષામાં ભંગ થયો છે. ત્રણ મહિનામાં બીજી વખત પીએમની સુરક્ષામાં ભંગ થતાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે પીએમ તરફ ભાગવાનો પ્રયાસ કરતા એક શખ્સ ઝડપાયો છે. ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત તૈયાર હતો. જેવો તે વ્યક્તિ ભાગવાનો પ્રયાસ કર્યો કે તરત જ પોલીસે તેને રસ્તામાં જ પકડી લીધો હતો. સુરક્ષા એજન્સીઓએ તેને કસ્ટડીમાં લીધો છે. તેની પૂછપરછ ચાલી રહી છે. વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટના દાવણગેરેની છે. અહીં પીએમ મોદીનો રોડ શૉ યોજાયો હતો. રસ્તાની બંને બાજુ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા. દરમિયાન વ્યક્તિએ ભાગીને પીએમ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ પીએમની કાર પાસે પહોંચી ગયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ કાફલામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પીએમની આટલી નજીક આવવું એ ગંભીર પ્રશ્ન માનવામાં આવી રહ્યો છે.
સુરક્ષા કોર્ડન તોડીને યુવકો પીએમની કાર સુધી કઈ પહોંચ્યો?
આજે પીએમ મોદી કર્ણાટકના પ્રવાસે છે. તેમણે ત્યાં એક જાહેર સભાને સંબોધન કર્યું, ત્યારબાદ રોડ શૉ કર્યો. વાસ્તવમાં પીએમના રોડ શૉ માટે ત્રણથી ચાર લેયરની સુરક્ષા રાખવામાં આવી હતી. રસ્તાની બંને બાજુએ બેરીકેટ્સ મૂકવામાં આવ્યા હતા. અહીં હાજર લોકોને પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે બેરિકેડ કૂદીને રસ્તા પર ન આવો. તમારે ફક્ત હેલો કહેવાનું છે. આમ છતાં આરોપી યુવક બેરિકેડ કૂદીને પીએમ તરફ જવા લાગ્યો હતો. જોકે, સ્થળ પર હાજર પોલીસ અને હોમગાર્ડે તેને પકડી લીધો હતો. એસપીજીએ તેને કસ્ટડીમાં લીધો હતો. આ એક ગંભીર સુરક્ષા ખામી માનવામાં આવે છે.
આ પણ વાંચો: લોકસભાનું સભ્યપદ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધીએ કરી પહેલી પ્રેસ કોન્ફરન્સ, સ્પીકર પર લગાવ્યા ગંભીર આરોપ
સુરક્ષામાં કોઈ ખામી નથીઃ પોલીસનો દાવો
એડીજીપી લૉ ઍન્ડ ઑર્ડર આલોક કુમારે કહ્યું કે પીએમની સુરક્ષામાં કોઈ ખામી નથી. તેમણે કહ્યું કે આરોપી યુવકનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.