હલાલ માંસ પર પ્રતિબંધ મૂકવાની કર્ણાટક સરકારની યોજના

20 December, 2022 11:37 AM IST  |  Belagavi | Gujarati Mid-day Correspondent

વિધાનસભ્ય દ્વારા પ્રાઇવેટ બિલ આવશે ત્યારે જોઈશું એવો મુખ્ય પ્રધાનનો જવાબ

બસવરાજ બોમ્મઈ

બેલગાવી : બેલગાવીમાં ગઈ કાલે શરૂ થયેલા કર્ણાટક વિધાનસભાના શિયાળુ સત્રમાં બસવરાજ બોમ્મઈની આગેવાની હેઠળની સરકાર ઍન્ટિહલાલ બિલ રજૂ કરવાની યોજના રજૂ કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાય છે. આ બિલ પસાર થતાં રાજ્યમાં હલાલ માંસ વેચવું પ્રતિબંધિત બનશે. એમ મનાય છે કે આ બિલ પર બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે મુકાબલો થઈ શકે છે. 

બીજેપીના વિધાન પરિષદના સભ્ય એન. રવિકુમાર ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એફએસએસએઆઇ) સિવાય અન્ય કોઈ પણ સંગઠન દ્વારા ફૂડ સર્ટિફિકેશન પર પ્રતિબંધ લાગુ કરવાની માગણી કરતું પ્રાઇવેટ બિલ રજૂ કરવા માગે છે. ચાલુ વર્ષના માર્ચમાં ઉગાડી તહેવાર દરમ્યાન હલાલ માંસનો બહિષ્કાર કરવાની કેટલાંક હિન્દુ તરફી જમણેરી સંગઠનો દ્વારા હાકલ કરાતાં હલાલ માંસના મુદ્દે રાજ્યમાં અશાંતિ ફેલાઈ હતી.

શરૂમાં બીજેપીના રાજ્ય એકમના જનરલ સેક્રેટરી રવિકુમારની એને ખાનગી બિલ તરીકે રજૂ કરવાની યોજના છે, જે માટે તેમણે રાજ્યપાલ થાવરચંદ ગેહલોટને પત્ર પણ લખ્યો હતો. જોકે હવે પક્ષનું નેતૃત્વ એને એના સત્તાવાર કાયદા તરીકે પસંદ કરી રહ્યું હોવાથી તેઓ એને સરકારી ખરડા તરીકે રજૂ કરવા માગે છે. શાસક પક્ષની હલાલ માંસ વિરોધી બિલ પસાર કરવાની યોજના રાજકીય અસ્થિરતા સરજી શકે છે. ગઈ કાલે આ વિશે મુખ્ય પ્રધાન બોમ્મઈને સવાલ પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે વિધાનસભ્ય કોઈ પણ પ્રાઇવેટ બિલ લાવી શકે. આ જ્યારે આવશે ત્યારે અમે જોઈશું.’

national news karnataka