મસ્જિદમાં ‘જય શ્રીરામ’ બોલવાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચતી નથી

17 October, 2024 10:48 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

કર્ણાટક હાઈ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

પ્રતીકાત્મક તસવીર

મસ્જિદની અંદર જઈને ‘જય શ્રીરામ’ના નારા લગાડવાના આરોપસર કર્ણાટકમાં બે માણસ સામે કરવામાં આવેલા કેસને કર્ણાટક હાઈ કોર્ટે રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે મસ્જિદમાં આમ કરવાથી કોઈ પણ વર્ગની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી નથી. કોર્ટે ગયા મહિને આ આદેશ ચુકાદો આપ્યો હતો પણ મંગળવારે એ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

શું હતો કેસ?

દક્ષિણ કન્નડા જિલ્લાના બે રહેવાસીઓ કીર્તન કુમાર અને સચિન કુમારે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની એક રાતે સ્થાનિક મસ્જિદમાં જઈને ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. આ કેસમાં સ્થાનિક પોલીસે તેમની સામે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો, અપરાધિક અતિક્રમણનો અને અપરાધિક ધમકીનો ગુનો નોંધ્યો હતો.

કોર્ટનો દરવાજો ખખડાવ્યો

આરોપીઓ તેમની સામે લાગેલા આ આરોપો હટાવવા માટે હાઈ કોર્ટમાં ગયા હતા. તેમના વકીલનો દાવો હતો કે મસ્જિદ એક સાર્વજનિક સ્થાન છે અને એથી અપરાધનો કેસ બનતો નથી. તેમણે એ પણ દલીલ કરી કે આ કૃત્ય IPCની કલમ 295-A હેઠળ પરિભાષિત અપરાધની શ્રેણીમાં આવતું નથી.

રાજ્ય સરકારે શું કહ્યું?

કર્ણાટક સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો અને તેમની ધરપકડની માગણી કરી હતી અને કહ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ જરૂરી છે.

કોર્ટે શું કહ્યું?

કર્ણાટક હાઈ કોર્ટના જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ કહ્યું કે આ ઘટના અપરાધની શ્રેણીમાં આવતી નથી અને એનાથી સાર્વજનિક વ્યવસ્થા પર કોઈ પ્રતિકૂળ અસર પડતી નથી.

karnataka national news hinduism islam