કર્ણાટકમાં IT કર્મચારીઓ માટે ૧૪ કલાક કામ કરવાનો પ્રસ્તાવ : કર્મચારીઓ ભડક્યા

22 July, 2024 02:59 PM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

આ મુદ્દે કર્મચારી યુનિયને કહ્યું હતું કે, સરકાર IT સેક્ટરમાં કર્મચારીઓને અમર્યાદ સમય સુધી કામ કરવાની ફરજ પાડવા માગે છે

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકમાં ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી (IT) સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે કામકાજના રોજ ૧૪ કલાક અને અઠવાડિયાના ૭૦ કલાક કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારે રજૂ કર્યો છે અને આવા પ્રસ્તાવને પગલે ટૅક્નૉલૉજી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ ભડકી ઊઠ્યા છે.

કર્ણાટકના સ્થાનિક લોકોને નોકરીમાં રાખવાના પ્રસ્તાવ પર પસ્તાળ પડ્યા બાદ સિદ્ધારમૈયા સરકારે એ પાછો ખેંચી લીધો છે ત્યારે હવે કૉન્ગ્રેસની સરકારે આ બીજો પ્રસ્તાવ મૂક્યો છે.

રાજ્ય સરકાર કર્ણાટક શૉપ્સ ઍન્ડ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૪ લાવવા ઇચ્છે છે, જેમાં કામકાજના કલાક હાલના ૧૦ના સ્થાને ૧૪ કલાક કરવા માગે છે. એમાં ૧૨ કલાક કામ અને બે કલાકના ઓવરટાઇમનો સમાવેશ છે.

આ મુદ્દે કર્મચારી યુનિયને કહ્યું હતું કે ‘સરકાર IT સેક્ટરમાં કર્મચારીઓને અમર્યાદ સમય સુધી કામ કરવાની ફરજ પાડવા માગે છે. હાલમાં જે કામ ત્રણ શિફ્ટમાં થાય છે એ હવે માત્ર બે શિફ્ટમાં કરાવવામાં આવશે અને આમ કર્મચારીઓનું ભારે શોષણ થશે. એક તૃતીયાંશ કર્મચારીઓની છટણી કરી નાખવામાં આવશે.’ 

બર ડિપાર્ટમેન્ટ સાથેની બેઠકમાં પણ કર્મચારી યુનિયને કહ્યું હતું કે ‘આ સેક્ટરમાં કામ કરતા ૪૫ ટકા કર્મચારીઓ ડિપ્રેશન જેવી માનસિક બીમારીથી પીડાય છે. ૫૫ ટકા કર્મચારીઓને શારીરિક સમસ્યાઓ છે. વધારે પડતા કામકાજના કલાકો તેમની પરિસ્થિતિ ઑર બગાડશે. સરકારે આ બદલાવ વિશે ફરી વિચાર કરવાની જરૂર છે.’

karnataka information technology act national news