15 May, 2023 11:35 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોરમાં ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા સિદ્ધારમૈયાના ઘરની બહાર મૂકવામાં આવેલું એક પોસ્ટર, જેમાં તેમને કર્ણાટકના આગામી સીએમ ગણાવવામાં આવ્યા છે. તસવીર એ.એન.આઇ.
કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં શનિવારે શાનદાર સક્સેસ મેળવ્યા બાદ સીએમ પદ માટે પસંદગી કરવી ચોક્કસ જ કૉન્ગ્રેસ માટે ટફ રહેશે.
કર્ણાટક કૉન્ગ્રેસના ચીફ ડીકે શિવકુમાર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા બન્ને આ પદ મેળવવા માટે આતુર છે અને એ આતુરતા તેઓ જાહેરમાં દર્શાવે પણ છે. એટલા માટે જ જો આ મુદ્દે ઉકેલ નહીં લવાય તો એવી સ્થિતિમાં વિખવાદ થઈ શકે છે.
શિવકુમારે ગઈ કાલે કહ્યું હતું કે ‘કેટલાક લોકો કહે છે કે સિદ્ધારમૈયાની સાથે મારા મતભેદો છે, પરંતુ હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. અનેક વખત હું પાર્ટી માટે બલિદાન આપીને સિદ્ધારમૈયાની પડખે રહ્યો છું. મેં સિદ્ધારમૈયાને સહકાર આપ્યો છે.’
બૅન્ગલોરમાં સિદ્ધારમૈયાના નિવાસસ્થાનની બહાર તેમના સપોર્ટર્સે એક પોસ્ટર મૂક્યું છે, જેમાં તેમને ‘કર્ણાટકના આગામી સીએમ’ ગણાવવામાં આવ્યા છે. ગઈ કાલે બૅન્ગલોરમાં ડીકે શિવકુમારના ઘરની બહાર પણ તેમને બર્થ ડે માટે ઍડ્વાન્સમાં વિશ કરતાં પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં હતાં. તેમનો બર્થ ડે ૧૫ મેએ છે. આ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું હતું કે ‘કર્ણાટકના નવા મુખ્ય પ્રધાનને જન્મદિનની શુભેચ્છા.’
સિદ્ધારમૈયા અને ડી. કે. શિવકુમાર વચ્ચે કર્ણાટકના સીએમના પદ માટે લડાઈ વધી છે ત્યારે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગઈ કાલે પાછા દિલ્હી જતા રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના ઑબ્ઝર્વર્સ પાર્ટીના વિધાનસભ્યોનો અભિપ્રાય હાઈ કમાન્ડને જણાવશે અને એના પછી હાઈ કમાન્ડ અંતિમ નિર્ણય કરશે. તેમણે ખાતરી આપી હતી કે શક્ય એટલું જલદી સરકારની રચના કરવામાં આવશે. દરમ્યાનમાં સોર્સિસ અનુસાર કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન અને કૅબિનેટ ગુરુવારે શપથગ્રહણ કરશે, જેમાં ગાંધીપરિવાર અને કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત રહેશે. કૉન્ગ્રેસે ‘સમાન વિચારસરણી’ ધરાવતી તમામ પાર્ટીઓને આ શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે.
આ પણ વાંચો: કૉન્ગ્રેસની જીત માટે આ રહ્યાં કારણો
મોડી રાત્રે મતગણતરીના ડ્રામા બાદ કર્ણાટકમાં જયાનગર સીટ પર ૧૬ મતથી બીજેપીની જીત
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર સી. કે. રામામૂર્તિએ જયાનગર સીટ પર કૉન્ગ્રેસનાં ઉમેદવાર સૌમ્યા રેડ્ડીની વિરુદ્ધ માત્ર ૧૬ મતના માર્જિનથી જીત મેળવી હતી. રાજ્યના માહિતી વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘શનિવારે મોડી રાત્રે જયાનગરમાં એસએસએમઆરવી કૉલેજમાં મતગણતરીના સ્થળે અધિકારીઓ દ્વારા આ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું.’
જીતનો માર્જિન ખૂબ જ ઓછો હોવાથી રામામૂર્તિએ ફરીથી મતો ગણવાની માગણી કરી હતી. જયાનગરમાં મતગણતરીના સ્થળે તનાવભરી સ્થિતિ હતી, કેમ કે કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી. કે. શિવકુમારની સાથે સૌમ્યા રેડ્ડીના ફાધર અને સિનિયર નેતા રામાલિંગા રેડ્ડી સહિત અનેક નેતાઓએ મતગણતરીના કેન્દ્રની બહાર વિરોધ-પ્રદર્શન કરીને ન્યાય માટે માગણી કરી હતી. તેમણે રામામૂર્તિની તરફેણમાં સરકારી મશીનરીના દુરુપયોગનો આરોપ મૂક્યો હતો.
શનિવારે મોડી રાત્રે એક બેઠક પર પરિણામના ઊલટફેર બાદ કૉન્ગ્રેસના ફાળે ૧૩૫ બેઠકો, બીજેપીને ૬૬ જ્યારે જનતા દળ (એસ)ને ૧૯ બેઠકો મળી છે.
કર્ણાટકમાં નવા ચૂંટાયેલા કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ગઈ કાલે આગામી મુખ્ય પ્રધાનની પસંદગી કરવાનો અધિકાર પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આપ્યો છે.