30 March, 2025 04:17 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કર્ણાટકના બેલગામમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ સાઇબર ગુનેગારો દ્વારા ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ૮૩ વર્ષના દિયાંગો નઝરેથે પોતાનું ગળું કાપી નાખ્યું હતું, જ્યારે તેની ૭૯ વર્ષની પત્ની ફ્લેવિયાના નઝરેથે ઝેર ખાઈ લીધું હતું. આ દંપતીએ એક સુસાઇડ-નોટ લખી હતી. આ નોટમાં જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોવાનો દાવો કરનારા લોકોએ તેમની સાથે છેતરપિંડી કરી હતી અને એને કારણે નિરાશા અને ડરથી તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
આ કેસ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે ‘છેતરપિંડી કરનારાઓએ વિડિયો કૉલ દ્વારા દંપતીનો સંપર્ક કર્યો હતો અને તેમના પર ફોજદારી કેસમાં સંડોવણીનો ખોટો આરોપ લગાવ્યો હતો. સાઇબર ગુનેગારોએ દાવો કર્યો હતો કે દંપતીના મોબાઇલ નંબર અને આઇડેન્ટિટી પ્રૂફ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં અને સમાધાન માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. મહારાષ્ટ્રના મંત્રાલયમાં નોકરી કરીને નિવૃત્ત થયેલા આ દંપતીએ આ રકમ ચૂકવી દીધી હતી. જોકે તેમની હેરાનગતિ અટકી નહોતી. સાઇબર અપરાધીઓએ ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું અને વધુ નાણાં માગ્યાં હતાં. કુલ ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ દંપતીને બાળકો નહોતાં અને કોઈ નજીકનો પરિવાર નહોતો. તેમણે ધમકી અને ખંડણીની વાત બીજા કોઈને કરી નહોતી.’
આ કેસ શરૂઆતમાં આત્મહત્યાનો લાગતો હતો, પણ સુસાઇડ-નોટમાંથી મળેલા નંબરો પર ચકાસણી કરવામાં આવ્યા બાદ તપાસની દિશા બદલવામાં આવી હતી. પોલીસે દંપતીનાં બૅન્ક-ખાતાં ઍક્સેસ કર્યાં હતાં અને કેટલી રકમની છેતરપિંડી થઈ છે એનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે. આ એક ગંભીર મામલો છે અને પોલીસ બારીકાઈથી તપાસ કરી રહી છે.