16 June, 2023 10:56 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કૉન્ગ્રેસ સરકારે ધર્મપરિવર્તનની વિરુદ્ધના કાયદાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યની કૅબિનેટમાં ગઈ કાલે મંજૂર કરવામાં આવેલા ફેરફારોમાં સ્કૂલોમાં હિસ્ટ્રીના સિલેબસ તેમ જ કૃષિ બજારો માટે એક કાયદો પણ સામેલ છે. રાજ્યના કાયદો અને વિધાનસભાની બાબતોના પ્રધાન એચ. કે. પાટીલે કૅબિનેટની મીટિંગ બાદ આ જાણકારી આપી હતી.કર્ણાટકમાં બળપૂર્વક, ખોટી માહિતી આપીને કે પછી લાલચ આપીને ધર્મપરિવર્તન વિરુદ્ધ વટહુકમ લાવવામાં આવ્યો હતો. પાટીલે એમ પણ જણાવ્યું હતું કે કૅબિનેટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપકોમાં સામેલ કે. બી. હેડગેવાર અને સાવરકર પરનાં પ્રકરણોને હટાવવાનો પણ નિર્ણય કર્યો છે. આ પ્રકરણોને ગયા વર્ષે ઉમેરવામાં આવ્યાં હતાં. બીજેપી સરકાર દ્વારા સ્કૂલ સિલેબસમાં કરવામાં આવેલા તમામ ફેરફારોને રિવર્સ કરવામાં આવશે. કૅબિનેટે કૃષિ બજારો પર નવો કાયદો લાગુ કરવાનો પણ નિર્ણય કર્યો છે, જે બીજેપી સત્તામાં હતી ત્યારે ઘડાયેલા એક કાયદાનું સ્થાન લેશે.