04 November, 2023 12:47 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૅન્ગલોર ઃ સિદ્ધારમૈયાએ નેતૃત્વ-પરિવર્તનની ચર્ચાને ફગાવીને ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાંચ વર્ષ માટે કર્ણાટકના મુખ્ય પ્રધાનપદે રહેશે. જોકે કર્ણાટક કૉન્ગ્રેસમાં મુખ્ય પ્રધાનપદની ઇચ્છા રાખનારાઓની જાણે લાઇન લાગી છે. હવે રાજ્યના ગૃહપ્રધાન જી. પરમેશ્વરે કહ્યું હતું કે ‘નસીબ સાથ આપશે તો હું ચોક્કસ કર્ણાટકનો સીએમ બની શકીશ.’ જોકે એ પહેલાં કર્ણાટકના આઇટી પ્રધાન અને કૉન્ગ્રેસના ચીફ મલ્લિકાર્જુન ખડગેના દીકરા પ્રિયાંક ખડગેએ કહ્યું હતું કે ‘દિલ્હીમાં ચાર જણ એકસાથે બેસે છે અને નિર્ણય લે છે. એ ચારેય જણને છોડીને જે પણ વાત કરશે તેનું કોઈ મૂલ્ય નથી. જો હાઈકમાન્ડ કહે કે હું સીએમપદ સંભાળું તો હું એને માટે ચોક્કસ હા પાડીશ.’ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર તો પહેલેથી જ આ રેસમાં છે અને તેમણે તો બિનસત્તાવાર રીતે કહ્યું પણ છે કે અઢી વર્ષ પછી હું કર્ણાટકનો મુખ્ય પ્રધાન બનીશ.