24 November, 2024 12:34 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકમાં સત્તાધારી કૉન્ગ્રેસ પાર્ટીએ પેટાચૂંટણીમાં ત્રણેય બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. એણે સાંડૂર બેઠક જાળવી રાખી હતી, પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈના પરિવારનો ગઢ મનાતી શિગગાંવ બેઠક BJP પાસેથી અને કુમારસ્વામી પરિવારનો ગઢ મનાતી ચન્નાપટની બેઠક જનતા દળ-સેક્યુલર (JDS) પાસેથી આંચકી લીધી હતી.
કુમારસ્વામીના પુત્રનો પરાજય
હાઈ-પ્રોફાઇલ ચન્નાપટની બેઠક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી પરિવારનો ગઢ મનાય છે અને આ બેઠક પર કેન્દ્રીય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીના પુત્ર નિખિલ કુમારસ્વામીને મેદાનમાં ઉતાર્યો હતો. કૉન્ગ્રેસના ઉમેદવાર અને સિનિયર કૉન્ગ્રેસી નેતા સી. પી. યોગેશ્વરાએ તેને ૨૫,૪૧૩ મતના માર્જિનથી હરાવ્યો હતો.
લિંગાયતોના ગઢમાં કૉન્ગ્રેસનો મુસ્લિમ વિધાનસભ્ય
શિગગાંવ બેઠક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈનો ગઢ મનાય છે અને આ બેઠક પર BJPએ તેમના પુત્ર ભરત બોમ્મઈને ટિકિટ આપી હતી. ૧૯૯૯થી લિંગાયતોના ગઢ સમાન મનાતી આ બેઠક પર બોમ્મઈ પરિવારનું પાંચ ચૂંટણીમાં વર્ચસ હતું અને તેઓ આ બેઠક જીતતા હતા. ૨૭ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા આ મતદાર સંઘમાં કૉન્ગ્રેસે મુસ્લિમ ઉમેદવાર યાસિર અહમદ ખાન પઠાણને મેદાનમાં ઉતાર્યો હતો અને તેણે આ બેઠક પર ભરત બોમ્મઈને ૧૩,૪૪૮ મતથી પરાજિત કરતાં મોટો અપસેટ સર્જાયો છે. પઠાણને ૧,૦૦,૭૫૬ મત અને ભરત બોમ્મઈને ૮૭,૩૦૮ મત મળ્યા હતા.
સાંડૂર શેડ્યુલ કાસ્ટ (ST) બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવાર ઈ. અન્નપૂર્ણા ૯૬૪૯ મતથી વિજયી બન્યા છે. આ ત્રણેય બેઠકો પરના ઉમેદવારો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વિજયી બન્યા હોવાથી પેટાચૂંટણી યોજાઈ હતી.