લોકોને વોટિંગ છોડીને આઉટિંગ પર જતા રોકવા કર્ણાટકમાં બુધવારે યોજાશે ચૂંટણી

30 March, 2023 02:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૨૨૪ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણી ૧૦ મેએ યોજાશે અને ૧૩ મેએ રિઝલ્ટ્સ જાહેર કરવામાં આવશે

બેવિનાહલ્લીમાં પ્રચાર દરમ્યાન કર્ણાટકના કૉન્ગ્રેસના વડા ડી. કે. શિવકુમાર.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી દસમી મેએ યોજાશે અને ૧૩મી મેએ રિઝલ્ટ્સ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ૨૨૪ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણી માટે ૧૩મી એપ્રિલે નૉટિફિકેશન ઇશ્યુ કરવામાં આવશે અને ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ૨૦મી એપ્રિલ છે.

ઉમેદવારી પત્રકોની ૨૧મી એપ્રિલે ચકાસણી કરવામાં આવશે અને ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ ૨૪મી એપ્રિલ છે. 

કુમારે જણાવ્યું હતું કે વધુમાં વધુ મતદાતાઓ લોકશાહીના આ ઉત્સવમાં ભાગ લઈ શકે એ હેતુસર ચૂંટણીઓ સોમવાર કે શુક્રવારના બદલે બુધવારે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કેમ કે સોમવારે કે શુક્રવારે ચૂંટણી યોજવામાં આવે તો લોકો લાંબા વીક-એન્ડનો લાભ લઈને બીજાં શહેરોમાં ફરવા માટે જતા રહેતા હોય છે અને મતદાન કરવાનું પસંદ કરતા નથી. શાસક બીજેપી અને કૉન્ગ્રેસે પહેલાંથી જ વિધાનસભાની ચૂંટણી માટે જબરદસ્ત પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે.

કૉન્ગ્રેસના નેતાએ લોકો પર ૫૦૦ રૂપિયાની નોટો વરસાવી

કર્ણાટકના કૉન્ગ્રેસના વડા ડી. કે. શિવકુમાર મંગળવારે એક રોડ-શો દરમ્યાન લોકોની ભીડ પર કરન્સી નોટ્સ વરસાવતા જોવા મળ્યા હતા. માંડ્યા જિલ્લામાં બેવિનાહલ્લીમાં પ્રચાર દરમ્યાન તેઓ એક બસની છત પરથી ૫૦૦ રૂપિયાની નોટ્સ લોકો પર ફેંકતા જોવા મળ્યા હતા. શિવકુમાર કર્ણાટકની ચૂંટણી માટે કૉન્ગ્રેસની ‘પ્રજા ધ્વનિ યાત્રા’ પર નીકળ્યા છે.

national news karnataka assembly elections new delhi