midday

કર્ણાટક વિધાનસભામાંથી BJPના ૧૮ વિધાનસભ્યો ૬ મહિના માટે સસ્પેન્ડ, ટીંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા

23 March, 2025 07:17 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ૪ ટકા અનામત આપવાના બિલનો ઉગ્ર વિરોધ
વિધાનસભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર મોકલવામાં આવ્યા હતા.

વિધાનસભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર મોકલવામાં આવ્યા હતા.

કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ૪ ટકા અનામત આપવાના બિલ અંગે BJPના વિધાનસભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતા આર. અશોકના નેતૃત્વમાં BJPના વિધાનસભ્યોએ અનામતના બિલની કૉપી ફાડીને સ્પીકર તરફ ફેંકી હતી. ત્યાર બાદ ૧૮ વિધાનસભ્યોને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યાર બાદ માર્શલને બોલાવવાની પણ નોબત આવી પડી હતી. વિધાનસભ્યોને ટીંગાટોળી કરીને ગૃહની બહાર મોકલવામાં આવ્યા હતા.

સસ્પેન્ડેડ વિધાનસભ્યો હવે છ મહિના સુધી વિધાનસભા હૉલ, લૉબી કે ગૅલરીમાં પ્રવેશી શકશે નહીં. વિધાનસભ્યોને સમિતિની ચૂંટણીમાં મતદાન કરવાની અનુમતિ પણ આપવામાં આવશે નહીં તથા છ મહિના સુધી તમામ દૈનિક ભથ્થાં પણ બંધ કરી દેવામાં આવશે. કર્ણાટકની કૉન્ગ્રેસ સરકારના પ્રધાન એમ. બી. પાટીલે આ મુદ્દે જણાવ્યું હતું કે ‘વિધાનસભ્યોનો વ્યવહાર કાયદાકીય રીતે તદ્દન અયોગ્ય હતો. એવામાં આ કાર્યવાહી ૧૦૦ ટકા યોગ્ય છે.’

karnataka vidhan bhavan bharatiya janata party congress religion political news news national news