કંગના રનૌતે આપી દીધો જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જવાબ

19 July, 2024 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજનેતાઓ રાજનીતિ નહીં કરે તો શું ગોલગપ્પા વેચશે?

અવિમુક્તેશ્વરાનંદ, કંગના રનૌત

અનંત અંબાણીનાં લગ્નમાં હાજરી આપ્યા બાદ સોમવારે બાંદરામાં ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ પૉલિટિકલ સ્ટેટમેન્ટ આપનાર જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય કંગના રનૌતે સામો પ્રશ્ન કરીને તેમના વિધાનની નિંદા કરી છે.

શંકરાચાર્યએ ત્યારે કહ્યું હતું કે ‘આપણે બધા હિન્દુ અને સનાતન ધર્મનું પાલન કરનારા લોકો છીએ. આપણા ધર્મમાં પુણ્ય અને પાપ વિશે કહેવામાં આવ્યું છે. સૌથી મોટો ઘાત વિશ્વાસઘાત છે. ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વાસઘાત થયો છે, જેની પીડા અનેક લોકોને છે. જ્યાં સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનની ખુરસી પર નહીં બેસે ત્યાં સુધી લાકોના મનનું દુઃખ ઓછું નહીં થાય. જે વિશ્વાસઘાત કરે છે તે ક્યારેય હિન્દુત્વવાદી ન હોઈ શકે. જે વિશ્વાસઘાત સહન કરે તે હિન્દુ છે.’

જોકે તેમના આ વિધાનનો જવાબ આપતાં મંડીનાં સંસદસભ્યે કહ્યું હતું કે ‘રાજનીતિમાં ગઠબંધન અને પાર્ટીનું વિભાજન થવું બહુ જ સામાન્ય અને બંધારણીય વાત છે. કૉન્ગ્રેસનું પણ  ૧૯૦૭ અને ત્યાર બાદ ૧૯૭૧માં વિભાજન થયું હતું. રાજનીતિમાં રાજનેતાઓ રાજનીતિ નહીં કરે તો શું ગોલગપ્પા વેચશે? શંકરચાર્યજીએ તેમના શબ્દો, પ્રભાવ અને ધાર્મિક શિક્ષાનો દુરુપયોગ કર્યો છે. ધર્મ એમ પણ કહે છે કે જો રાજા જ પ્રજાનું શોષણ કરવા લાગે તો રાજદ્રોહ જ આખરી ધર્મ છે. શંકરાચાર્યજીએ મહારાષ્ટ્રના અમારા માનનીય મુખ્ય પ્રધાન એકનાથ શિંદેજી માટે અપમાનજનક શબ્દો વાપરીને તેમના પર ગદ્દાર, વિશ્વાસઘાતી જેવા આરોપ લગાવતાં અમારા બધાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. શંકરાચાર્યજી આવી હલકી વાતો કરીને હિન્દુ ધર્મની ગરિમાને ઠેસ પહોંચાડી રહ્યા છે.’

national news kangana ranaut uddhav thackeray shiv sena national democratic alliance political news