12 August, 2024 07:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત
પોતાના નિર્ભીક વિચારો રાખવા માટે જાણીતી ઍક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા બેઠકની સંસદસભ્ય કંગના રનૌતે સોશ્યલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ મૂકી છે અને એમાં એક ખાસ નોંધ મૂકી છે કે આપણે કટ્ટરવાદીઓથી ઘેરાયા છીએ એથી હવે લોકોએ રોજ ૧૦ મિનિટ પોતાની આત્મરક્ષા માટે આપવી પડશે. પોતાની જ જમીન પર લોકોને સુરક્ષા માટે તૈયાર રહેવા તેણે આહ્વાન કર્યું હતું.
કંગનાએ તેના સોશ્યલ મીડિયા હૅન્ડલ ઍક્સ પર એક સ્ટોરી પર નોટ શૅર કરી છે અને એમાં લખ્યું છે કે ‘શાંતિ હવામાં કે સૂરજના પ્રકાશમાં નથી કે મફતમાં એ તમારી પાસે આવી જશે. મહાભારત હોય કે રામાયણ, દુનિયાના ઇતિહાસમાં સૌથી મોટી લડાઈઓ શાંતિ માટે જ લડવામાં આવી છે. તમે તમારી તલવારો ઉઠાવો અને એને ધારદાર બનાવો. દરરોજ કોઈ ને કોઈ રીતે લડાઈનો અભ્યાસ કરો. વધારે નહીં તો રોજ ૧૦ મિનિટ આત્મરક્ષા માટે ફાળવો. બીજાનાં હથિયારો સામે ઝૂકવું એ તમારી લડાઈમાં અક્ષમતાનું કારણ ન હોવું જોઈએ. ભરોસામાં સમર્પણ કરવું પ્રેમ છે, પણ ડરમાં સમર્પણ કાયરતા છે. ઇઝરાયલની જેમ હવે આપણે પણ કટ્ટરવાદીઓના ઘેરામાં છીએ. આપણે આપણી જમીન પર લોકોની રક્ષા માટે તૈયાર રહેવું જોઈએ.’
ઘણા લોકો કંગના રનૌતની આ પોસ્ટને બંગલાદેશમાં થયેલી રાજકીય ઘટનાના સંદર્ભમાં પણ જોઈ રહ્યા છે. બંગલાદેશમાં પણ પ્રદર્શનકારીઓની ભીડ સામે વડાં પ્રધાન શેખ હસીનાને દેશ છોડીને નાસી જવાનો વારો આવ્યો હતો. કંગના રનૌતની આ પોસ્ટ બાદ ઘણા લોકો તેના સમર્થનમાં આવ્યા છે અને કેટલાકે તેના પર આરોપ લગાવ્યો હતો કે તે દેશના લોકોને ઉશ્કેરી રહી છે અને દેશની શાંતિ ખતરામાં મૂકી રહી છે.