મધ્યપ્રદેશમાં વિપક્ષના નેતા પદેથી કમલનાથે આપ્યું રાજીનામું, આ નેતાને સોંપાઈ કમાન

28 April, 2022 06:47 PM IST  |  Bhopal | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ પદ વરિષ્ઠ ધારાસભ્ય ડૉ. ગોવિંદ સિંહને સોંપ્યું છે.

ફાઇલ તસવીર

મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ પદ વરિષ્ઠ ધારાસભ્ય ડૉ. ગોવિંદ સિંહને સોંપ્યું છે. ગોવિંદ સિંહ સાત વખત ધારાસભ્ય છે. ઘણા સમયથી તેમને વિપક્ષના નેતા બનાવવાની માગ કરવામાં આવી રહી હતી. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકની સહીથી આજે વિપક્ષના નેતા તરીકે ડૉ. ગોવિંદ સિંહની નિમણૂક માટેના આદેશો બહાર પાડવામાં આવ્યો હતો. આ મુજબ કમલનાથે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે જેને સ્વીકારી લેવામાં આવ્યું છે.

વાસનિકે વિપક્ષના નેતા તરીકે કમલનાથના યોગદાનની પ્રશંસા કરી છે. મધ્યપ્રદેશ કોંગ્રેસ કમિટીએ ડૉ. ગોવિંદ સિંહને વિપક્ષના નેતા બનાવવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. એક સમાચાર વેબસાઇટે પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કમલનાથે પાર્ટીના એક માણસ એક પદના સિદ્ધાંત હેઠળ વિધાનસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. કમલનાથ કોંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ તરીકે સેવા આપતા રહેશે. મધ્યપ્રદેશમાં 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ડૉ. ગોવિંદ સિંહ ભીંડ જિલ્લાની લહર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેઓ સતત સાતમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે સિત્તેરના દાયકાથી વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો અને જબલપુરની સરકારી આયુર્વેદિક કૉલેજના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ પછી તેઓ સહકારી ક્ષેત્રમાં સક્રિય થયા હતા. 1985માં ભીંડ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ બન્યા અને વર્ષ 1990માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

national news congress Kamal Nath