06 April, 2025 12:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
જસ્ટિસ યશવંત વર્મા
દિલ્હીના નિવાસસ્થાને મોટી સંખ્યામાં રોકડ રકમ મળી આવ્યા બાદ વિવાદોમાં સપડાયેલા જસ્ટિસ યશવંત વર્માને અલાહાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ગઈ કાલે તેમણે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની ચેમ્બરમાં જજ તરીકે શપથ લીધા હતા.
સુપ્રીમ કોર્ટની એક રિલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે જસ્ટિસ વર્મા સામેની આંતરિક તપાસ ચાલુ થાય નહીં ત્યાં સુધી તેમને કોઈ પણ ન્યાયિક કામ સોંપવામાં નહીં આવે.
જસ્ટિસ વર્માના ઘરે લાગેલી આગ બુઝાવતી વખતે ફાયર બ્રિગેડને મોટા પ્રમાણમાં બળી ગયેલી કરન્સી નોટો મળી આવી હતી. આ કેસમાં વર્માની બદલી અલાહાબાદ કરવામાં આવી હતી.
બાર અસોસિએશને લખ્યો પત્ર
જસ્ટિસ વર્માએ ચીફ જસ્ટિસની ચેમ્બરમાં ગુપ્તતાથી લીધેલા શપથ અમને સ્વીકાર્ય નથી એવું જણાવતો એક પત્ર અલાહાબાદ હાઈ કોર્ટ બાર અસોસિએશને ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીને મોકલી આપ્યો છે. બાર અસોસિએશનના સેક્રેટરી વિક્રાંત પાંડેએ જણાવ્યું છે કે ‘જજનો શપથગ્રહણ સમારોહ ખુલ્લામાં થાય છે અને એ જાહેર સમારોહ હોય છે. આ રીતે ચેમ્બરમાં શપથ લેવા બંધારણની વિરુદ્ધ છે અને અસ્વીકાર્ય છે. અમારી પીઠ પાછળ શપથ લેવડાવવામાં આવ્યા છે જેની અમે નિંદા કરીએ છીએ.’