11 January, 2023 10:54 AM IST | Joshimath | Gujarati Mid-day Correspondent
ડિમોલિશન પ્રોસેસની શરૂઆત આ હોટેલ માઉન્ટ વ્યુથી કરવામાં આવી હતી. અને જોશીમઠમાં ગઈ કાલે એનટીપીસી (નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન)ની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરી રહેલા સ્થાનિક લોકો.
જોશીમઠઃ ઉત્તરાખંડના જોશીમઠમાં આખરે ડિમોલિશન માટેની પ્રોસેસની ગઈ કાલથી શરૂઆત થઈ ગઈ હતી. સૌથી પહેલાં એકબીજા તરફ ઢળેલી બે હોટેલ્સ મલારી ઇન અને માઉન્ટ વ્યુથી આ પ્રોસેસની શરૂઆત કરવામાં આવી હતી. બે જેસીબી, એક મોટી ક્રેન અને બે ટ્રક તેમ જ ૬૦ કામદારો ડિમોલિશન માટે લાવવામાં આવ્યાં હતાં. આ ડિમોલિશન માટે સર્વે પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે બીજી તરફ પોતાનાં ઘરને તૂટતાં જોવાનું દુઃખ તેમ જ આ મામલે સમયસર કાર્યવાહી ન કરવા બદલ સરકારની વિરુદ્ધ આક્રોશની લાગણી લોકોમાં જોવા મળી હતી.
હોટેલ મલારી ઇનના માલિક ઠાકુર સિંહ રાણાએ કહ્યું હતું કે ‘મને ઍડ્મિનિસ્ટ્રેશન તરફથી કોઈ નોટિસ મળી નથી. લોકોનાં હિતમાં મારી હોટેલને ધ્વસ્ત કરવાના સરકારના નિર્ણયની સાથે હું છું. જોકે એના પહેલાં મને નોટિસ મળવી જોઈતી હતી.’
સીબીઆરઆઇ (સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)એ ઇન્સ્પેક્શનની કામગીરી પૂરી કરી છે. આ ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ સીપી કાનૂનગો અનુસાર ડિમોલિશન પદ્ધતિસર કરવામાં આવશે.
ડિમોલિશન સાઇટની નજીકમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે નજીકના એરિયામાં ટ્રાફિકની મૂવમેન્ટને અટકાવી દેવામાં આવી હતી.
જોશીમઠમાં અત્યાર સુધીમાં ૬૭૮ ઘરો પર એ ‘અસલામત’ હોવાની નિશાની કરવામાં આવી છે. સ્થાનિક લોકો પોતાનાં ઘર છોડતી વખતે ગઈ કાલે પડી ભાંગ્યા હતા. ગઈ કાલે સ્થાનિક લોકોએ સરકારી કંપની એનટીપીસી (નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન)ની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કર્યાં હતાં. તેમણે દાવો કર્યો હતો કે એનટીપીસીના તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટેના બાંધકામના કારણે અહીં સ્થિતિ વણસી હતી. આ વિસ્તારમાં રહેતી બિન્દુ નામની એક નિવાસીએ જણાવ્યું હતું કે ‘અમે અમારા ઘરમાં ૬૦ વર્ષથી રહેતાં હતાં, પરંતુ હવે એનો અંત આવી રહ્યો છે. અમે ખૂબ જ મહેનત કરીને આ ઘર તૈયાર કર્યું છે.’ અન્ય એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું હતું કે ‘હું મારા આ ઘરમાં બાળપણથી રહું છું. વહિવટીતંત્રે હવે મને ત્યાંથી જતાં રહેવા કહ્યું છે. મારા ફૅમિલીમાં સાતથી આઠ જણ છે. અમે અમારા ફૅમિલી-મેમ્બર્સને રિલેટિવ્સને ત્યાં મોકલીએ છીએ.’
જોશીમઠ મામલે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી માટે ના પાડી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ઉત્તરાખંડના જોશીમઠની કટોકટીને રાષ્ટ્રીય હોનારત તરીકે જાહેર કરવા અદાલતના હસ્તક્ષેપની માગણી કરતી એક અરજી પર ૧૬મી જાન્યુઆરીએ સુનાવણી કરવા માટે ગઈ કાલે સંમત થઈ હતી. જોકે ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિંહાની બેન્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીને તાત્કાલિક સુનાવણી માટે લિસ્ટિંગ કરવાની ના પાડી હતી. અદાલતે જણાવ્યું હતું કે મહત્ત્વની દરેકેદરેક બાબત સીધી અદાલતની પાસે ન આવવી જોઈએ.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે ‘આ બાબતે વિચાર કરવા માટે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સંસ્થા છે. અમે આ બાબતનું ૧૬મી જાન્યુઆરીએ લિસ્ટિંગ કરીશું.’
સ્વામી સરસ્વતી તરફથી હાજર રહેલા ઍડ્વોકેટ પર્મેશ્વર નાથ મિશ્રા દ્વારા આ અરજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સરસ્વતીએ તેમની અરજીમાં દલીલ કરી હતી કે મોટા પાયે ઔદ્યોગીકરણને કારણે આ હોનારત સર્જાઈ છે. તેમણે પોતાની અરજીમાં ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતર આપવાની પણ માગણી કરી હતી. આવા કટોકટીવાળા સમયમાં જોશીમઠના લોકોને સક્રિય રીતે સપોર્ટ આપવા માટે નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીને આદેશ આપવાની પણ માગણી આ અરજીમાં કરવામાં આવી છે.