આ દિવસે ભાજપમાં જોડાશે ચંપાઈ સોરેન: અમિત શાહ સાથેની મુલાકાત બાદ લીધો મોટો નિર્ણય

27 August, 2024 01:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ઑગસ્ટમાં ચંપાઈએ એક પત્ર દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની રીતને આત્મસન્માનને ઠેસ પહોંચાડનારી ગણાવી હતી.

તસવીર: પીટીઆઈ

Champai Soren to join BJP: ઝારખંડના પૂર્વ સીએમ ચંપાઈ સોરેન 30 ઑગસ્ટે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાશે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ સોમવારે રાત્રે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે, “ચંપાઈ સોરેન થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. તેઓ રાંચીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.”

અહેવાલો અનુસાર, 25 ઑગસ્ટે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ ચંપાઈને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. ઝારખંડ પહોંચ્યા બાદ તેઓ આ સુરક્ષા વર્તુળમાં રહેશે. ચંપાઈ આવતીકાલે એટલે કે 28 ઑગસ્ટે ઝારખંડ કેબિનેટમાંથી રાજીનામું આપી શકે છે.

ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના અગ્રણી આદિવાસી નેતા ચંપાઈ લગભગ 5 મહિના સુધી ઝારખંડના મુખ્યમંત્રી હતા. જ્યારે વર્તમાન સીએમ હેમંત સોરેન જમીન કૌભાંડ કેસમાં જેલમાં ગયા હતા ત્યારે તેમણે જ ચંપાઈને જવાબદારી સોંપી હતી. ચંપાઈએ જુલાઈમાં જેલમાંથી બહાર આવ્યા બાદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. 31 જાન્યુઆરીએ સીએમ પદ સંભાળનાર ચંપાઈએ 3 જુલાઈએ રાજીનામું આપ્યું હતું.

ઑગસ્ટમાં ચંપાઈએ એક પત્ર દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની રીતને આત્મસન્માનને ઠેસ પહોંચાડનારી ગણાવી હતી.

ચંપાઈ સોરેનથી ભાજપને શું ફાયદો?

ચંપાઈ સોરેન જેએમએમના વરિષ્ઠ નેતા છે. ઝારખંડના કોલ્હન વિસ્તારમાં તેને કોલ્હન ટાઈગર કહેવામાં આવે છે. કોલ્હનની 14 વિધાનસભા બેઠકો પર ચંપાઈનો પ્રભાવ છે. અત્યારે જેએમએમ પાસે એવા કોઈ નેતા નથી કે જે ચંપાઈની બરાબરી કરી શકે. જ્યારે હેમંત સોરેન જમીન કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં જેલમાં ગયા ત્યારે ચંપાઈને સીએમ બનાવવામાં આવ્યા હતા. ચંપાઈની હાજરીમાં કોલ્હનની 14 વિધાનસભા સીટો પર ભાજપ પોતાની પકડ મજબૂત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 18 ઑગસ્ટના રોજ ચંપાઈ સોરેન કોલકાતાના દમદમ એરપોર્ટથી અચાનક દિલ્હી પહોંચી ગયા હતા. બીજેપીમાં જોડાવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, “હું જ્યાં છું ત્યાં જ રહીશ.” થોડા સમય પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, જેમાં તેમણે લખ્યું હતું કે, “જેએમએમમાં ખુરશી પરથી હટાવીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે. હવે માત્ર ત્રણ જ વિકલ્પો બચ્યા છે. શું મારે નિવૃત્ત થવું જોઈએ, નવી સંસ્થા બનાવવી જોઈએ અથવા કોઈ અન્ય સાથે જવું જોઈએ?”

જ્યારે જેએમએમમાં ​​હલચલ મચી ત્યારે હેમંતે એકતા બતાવી

ચંપાઈએ જ્યારે એક પછી એક જાહેરાતો કરી રહી હતી ત્યારે જેએમએમમાં હલચલ મચી ગઈ હતી. આ દરમિયાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પાર્ટીની એકતા દર્શાવી હતી. જે ધારાસભ્યો ચંપાઈ સોરેનની સાથે હોવાનું કહેવાય છે તેઓ અચાનક એક પછી એક સીએમ હાઉસ પહોંચ્યા. અહીં તેમણે લગભગ 3 કલાક સુધી સીએમ હેમંત સોરેન સાથે મુલાકાત કરી હતી. આ પછી ધારાસભ્યોએ કહ્યું- અમે સીએમ હેમંત સોરેનની સાથે મજબૂત રીતે હતા, છીએ અને રહીશું. જેએમએમ છોડ્યા પછી ક્યાંય જવાનું નથી.

champai soren amit shah jharkhand bharatiya janata party india news national news