સમેતશિખરજી પર ઝારખંડના મુખ્ય પ્રધાને બકરાનો બલિ આપ્યો એને પગલે જૈન સમાજમાં નારાજગી

25 July, 2024 06:56 AM IST  |  Jharkhand | Rohit Parikh

વિશ્વ જૈન સંગઠન દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય લઘુમતી આયોગ, કેન્દ્રીય પ્રધાન અને ગવર્નરને આવેદનપત્ર આપીને કાયદાકીય કાર્યવાહી કરવાની માગ

નવી દિલ્હીમાં નૅશનલ કમિશન ઑફ માઇનૉરિટીના મેમ્બર ધન્યકુમાર ગુંડેને આવેદનપત્ર આપી રહેલા વિશ્વ જૈન સંગઠનના પદાધિકારીઓ.

જૈનોના ઝારખંડમાં આવેલા પ્રસિદ્ધ જૈન તીર્થ સમેતશિખરજીમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને તેમનાં પત્ની દ્વારા ૧૯ જુલાઈએ ચાર બકરાની પૂજા કરીને એનો બલિ ચડાવવામાં આવતાં ફરીથી વિવાદ સર્જાયો છે. તીર્થધામની પવિત્રતા ખંડિત કરવા બદલ વિશ્વ જૈન સંગઠને ગઈ કાલે રાષ્ટ્રીય લઘુમતી આયોગના મેમ્બર ધન્યકુમાર ગુંડે, કેન્દ્રમાં એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ અને ક્લાઇમેટ-ચેન્જ ખાતાના પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ઝારખંડના ગવર્નર વતી ત્યાંના રેસિડન્ટ કમિશનરને આવેદનપત્ર સોંપીને જે લોકોએ તીર્થની પવિત્રતાનું ખંડન કર્યું છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ સંગઠનના અગ્રણીઓએ કહ્યું છે કે અમે પહેલાં પ્રશાસન અને સરકાર અમારી ફરિયાદ પર શું કાર્યવાહી કરે છે એના પર ધ્યાન આપીશું ત્યાર પછી અમે દેશભરના જૈન સંઘોની સાથે વિચારવિમર્શ કર્યા પછી આંદોલનની રણનીતિ તૈયાર કરીશું.

ઝારખંડના આ તીર્થધામમાં જૈનોના ૨૦ તીર્થંકરો મોક્ષે ગયા હતા. આ પવિત્ર સ્થાને ૧૯ જુલાઈએ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન બલિદાન માટે ચાર બકરાની પૂજા કરી રહ્યા હોવાનું દર્શાવતો ‌વિડિયો અને પૂજા બાદ બલિ ચડાવવામાં આવતા બકરાનો ફોટો વાઇરલ થયો હતો જેને કારણે જૈન સમાજમાં નારાજગી વ્યાપી છે.

આ માહિતી આપતાં વિશ્વ જૈન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિખરજી તીર્થરાજ પર બલિદાન જેવા હિંસક કૃત્ય કરનારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં જૈન તીર્થરાજ પર આવું ન થાય એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમેતશિખરની પવિત્રતાની સુરક્ષા માટે ૨૦૨૨-’૨૩માં સંગઠન દ્વારા તેમ જ દેશભરના જૈન સમાજો અને સંસ્થાઓ દ્વારા દેશવ્યાપી આંદોલન અને ઉપવાસ કરવામાં આવ્યાં હતાં. ૨૦૨૩ના જાન્યુઆરીમાં કેન્દ્રીય વન મંત્રાલયે નિર્દેશ આપ્યા હતા કે આ તીર્થની પવિત્રતાની સુરક્ષાની જવાબદારી ઝારખંડ સરકારની છે. ઝારખંડ સરકાર દ્વારા ૨૨ ઑકટોબર ૨૦૧૮, ૧૦ મે ૨૦૨૨, ૨૧ ડિસેમ્બર ૨૦૨૨ અને ૫ જાન્યુઆરી ૨૦૨૩એ પ્રસિદ્ધ કરવામાં આવેલા પત્રોમાં પારસનાથ પર્વત પરના જૈનોના વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થ અને તીર્થંકરોની પવિત્ર મોક્ષભૂમિને તીર્થસ્થળ માનીને એની પવિત્રતાના રક્ષણની પ્રતિબદ્ધતા બતાવી હતી. જોકે ૧૯ જુલાઈએ આ જ તીર્થ પર બકરાની બલિ જેવા હિંસક કાર્ય કરીને અને કરાવીને સરકારે જૈન સમાજનું દિલ દુભાવ્યું છે જે અસહ્ય અને કાયદાકીય રીતે દંડનીય છે.’

વિશ્વ જૈન સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજ સુધી કોઈ પણ તીર્થ પર બકરાની પૂજા અને બલિદાનની મંજૂરી આપવામાં આવતી નથી. હેમંત સોરેને જૈન તીર્થમાં પૂજાની નવી પદ્ધતિ શરૂ કરી છે. આ પહેલાં ક્યારેય આવી પ્રવૃત્તિ કરવામાં આવી નથી. અહીં જમીનનો પણ વિવાદ ચાલે છે. જૈનો અને વનવિભાગ વચ્ચે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. આદિવાસીઓ આ સ્થળે જંગલ અને પર્યાવરણની પૂજા કરતા આવ્યા છે. હવે હેમંત સોરેને આગામી ચૂંટણીમાં આદિવાસીના મતો માટે આ નવો ડ્રામા શરૂ કર્યો છે. જૈન સમાજ અને પ્રકૃતિની પૂજા કરનારા મધુબન અને આસપાસનાં ક્ષેત્રોના સમસ્ત આદિવાસી લોકો વર્ષોથી એકબીજાની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરતા આવ્યા છે અને કરતા રહેશે. તેઓ ક્યારેય પણ વિવાદ ઊભો કરીને ઝારખંડમાં રાજકારણ નહીં કરવા દે.’

jharkhand hemant soren jain community gujarati community news culture news national news india